
વિરમગામ, તા.૧૧
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા મુદ્દો ના મળતા ભાજપ નર્મદાનો મુદ્દો લઈને નિકળ્યા હતા પરંતુ આ મુદ્દો ફેલ ગયો છે. એમ વિરમગામમાં સભા સંબોધતા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું. વિરમગામના કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં જંગી જાહેરસભા યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના રાહુલ ગાંધી, ભરતસિંહ સોલંકી સહિતના દિગ્ગજ નેતાઓએ કોંગ્રેસને જીતાડવા આહ્વાન કર્યું હતું. ત્યારે શરૂઆતમાં ભરતસિંહ સોલંકીએ કાર્યકર્તાનો જોષ વધારતા કહ્યું હતું કે પ્રથમ તબક્કાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે જેમાંથી ૮૯ બેઠકમાંથી ૬૦ બેઠક ઉપર કોંગ્રેસનો વિજય થાય છે. જ્યારે અશોક ગેહલોતે કહ્યું હતું કે આ રાજ્યને હવે બદલાવની જરૂરિયાત છે. જ્યારે સ્ટેજ પરથી રાહુલ ગાંધીએ ઘણી બધી વાતો પોતાના પક્ષના હજારોની સંખ્યામાં ઉપસ્થિત એવા સમર્થકોને સંબોધીને કહ્યું હતું કે છેલ્લા ૨૨ વર્ષની ગંદી રાજનિતીથી જીતતુ આવેલુ આ ભારતીય જનતા પાર્ટીની સચ્ચાઈ હવે બહાર આવી છે. ભાજપને ચૂંટણી જીતવા માટે એકય મુદ્દો ના મળતા નર્મદાના નીરનો મુદ્દો લઇને ચૂંટણી જીતવા નિકળ્યા હતા પણ એ ફેલ રહ્યો. કારણ કે નર્મદાનું નીર તો ટાટા નેનો જેવા ઉદ્યોગપતિઓને જ મળે છે. ખેડૂતોને નહીં. ૨૨-૨૨ વર્ષથી મારાર્ હ્વષ્ઠ ભાઈઓને કંઈ મળ્યું નથી. વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કોંગ્રેસ સરકારે મારા ગરીબોને માટે મનરેગા જેવી યોજના લાવીને ૩૫૦૦૦ હજાર કરોડ જેટલા રૂપિયા આપ્યા છે પરંતુ આ ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકારે કેટલા હજાર કરોડ રૂપિયા આ ગરીબોના હાથમાં આવવા દીધા છે. વધુમાં અદાણીને ૪૫૦૦૦ હજાર હેક્ટર જેટલી જમીન રૂપિયા ૧ના પ્રતિ મીટરના ભાવે આપી દીધી છે ઉપરાંત એ જ જમીન સરકારે અદાણી પાસેથી રૂપિયા ૩૦૦૦ હજારના ભાવે પ્રતિ મીટર જેટલા ઊંચા ભાવે ખરીદીને ભ્રષ્ટાચાર આચાર્યો છે. પણ હવે મારા ગુજરાતની ભોલી જનતા આ બધા કર્તૂતોથી વાકેફ થઈ ગઈ છે. એટલે હવે ચોક્કસથી હું અહીંથી સ્ટેજ પરથી જણાવી રહ્યો છું કે ગુજરાતમાં આ વખતે પરિવર્તન ચોક્કસથી આવશે. નવસર્જન ગુજરાતનું સર્જન થવામાં હવે માત્ર ૧૮મી ડિસેમ્બરની કાગડોળે રાહ જોવાય રહી છે. ૩૯ વિરમગામ વિધાનસભા ચૂંટણીના પ્રચાર અર્થે આજ રોજ વિરમગામની ધરતી પર કોંગ્રેસ ઉપાધ્યક્ષ એવા રાહુલ ગાંધી આવ્યા હતા. સાથે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી, રાજસ્થાનના અશોક ગેહલોત તેમજ ઉમેદવાર એવા લાખાભાઈ ભરવાડ તેમજ પૂર્વ ધારાસભ્ય દાઉદભાઈ, રૂકસાનાબેન, તેમજ યાસીનભાઈ મંડલી, સૈયદ જીલાનીબાપુ, દેવુભાઈ જેવા વિરમગામ – માંડલ – દેત્રોજ તાલુકામાંથી હજારોની સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.