ચૂંટણી પૂર્ણ થતાં જ પોત પ્રકાશ્યું : ખેડૂતોને અપાતાં નર્મદાના સિંચાઈના પાણી પર કાપ

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૧૩
ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા એવો દાવો કરવામાં આવતો હતો કે સરદાર સરોવર ડેમના દરવાજા બંધ થતા વિકાસના દ્વાર ખુલશે, પરંતુ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થતા જ ખેડૂતો માટે નર્મદાના સિંચાઈના પાણી પર કાપ મુકવામાં આવતા આ પાણી કાપથી ખેડૂતોના નસીબના દ્વાર બંધ થશે. ત્યારે ઉદ્યોગોને અપાતા મફતના પાણી પર કાપ મુકીને પણ ખેડૂતોને પાણી આપવા કોંગ્રેસે માંગ કરી છે.
ખેડૂતો માટે સિંચાઈના પાણી પર કાપ જયારે ઉદ્યોગોને મફતના ભાવે પાણી અને ખેડૂતોને સતત અન્યાય અંગે ભાજપ સરકારનો જવાબ માગતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે નર્મદા યોજનામાંથી ગુજરાતના ભાગે આવનાર ૯ એકર મિલિયન ફીટ પાણી વર્ષોથી ઉપલબ્ધ છે પરંતુ ભાજપ સરકારની ગુનાહિત બેદરકારીના કારણે ૪૩૦૦૦ કિ.મી.ની નર્મદાની કેનાલ, માઈનોર, સબ માઈનોર તથા ફિલ્ડ ચેનલ બની નથી. પરિણામે નર્મદાનું પાણી દરિયામાં જાય છે અને ગુજરાતના ખેડૂતોને નર્મદાનું પાણી મળતું નથી. દરવાજા બંધ કરવાથી જે વીજળી પેદા થશે તે તો પાડોશી રાજયોને આપવાની છે ગુજરાતનો વીજળીનો હિસ્સો નહીવત છે ગુજરાતને સાચો ફાયદો પાણીનો છે પરંતુ કેનાલના કામો માટે કોઈની મંજૂરીની જરૂર ન હોવા છતાં કેનાલના કામ રર વર્ષ સુધી પૂર્ણ ન કરાતા ખેડૂતો પાણીથી વંચિત રહ્યા છે તેનો ભાજપ સરકાર જવાબ આપે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ રાજયની ભાજપા સરકાર દ્વારા નર્મદા યોજના પૂર્ણ થવાના નાટક રૂપે નર્મદા મહોત્સવ ઉજવવામાં આવ્યો આખા ગુજરાતમાં ખેડૂતોને થનારા લાભની વાતો કરવામાં આવી અને રાજયમાં ચૂંટાઈને આવ્યાના એક મહિના કરતા પણ ઓછા ગાળામાં નર્મદાના સિંચાઈના પાણીપર કાપ મુકવામાં આવ્યો તેનાથી ગુજરાતના ખેડૂતોને ભારે નુકસાન થશે. ત્યારે ઉદ્યોગોને મફતમાં મળતા પાણી પર કાપ મુકી ખેડૂતોને પાણી આપવા ડો. મનિષ દોશીએ માગ કરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks