અમદાવાદ, તા.રપ
કોંગ્રેસ દર વખતની ચૂંટણીઓમાં પોતાની રણનીતિ બદલે અને આ વખતે કોંગ્રેસે તેની રણનીતિની સાથે પોતાનો રંગ પણ બદલ્યો છે. કોંગ્રેસે વિકાસની મજાક ઉડાવી છે ત્યારે વિકાસની મજાક ઉડાવનારાને ક્યારેય સમર્થન નહીં મળે. અનામત મામલે ફોર્મ્યુલા આપવાવાળા અને સ્વીકારવાવાળા દેશના સમાજો સાથે છેતરપિંડી કરી રહ્યા છે એમ અમદાવાદ આવેલા કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ ચૂંટણીઓમાં સામાજિક આધારે સમાજને વહેંચવું અને વર્ગ વિગ્રહના આધારે ચૂંટણીઓમાં આગળ વધવું એવો હીન પ્રયાસ કોંગ્રેસે કર્યો છે. કોંગ્રેસ પોતાનો રસ્તો ભટકી ગઇ છે. કોંગ્રેસ તથ્યોના આધારે નહીં પણ કલ્પનાના આધારે ચાલી રહી છે. કોંગ્રેસ કહે છે કે, ગુજરાતમાં ૧૭,૦૦૦ સ્કૂલો બંધ થઇ છે, પણ સાચી હકીકત તો એ છે કે, ૧૭,૦૦૦ જેટલી સ્કૂલો વધી છે. રાહુલ ગાંધી ભૂલમાં વધેલી સંખ્યાને બંધ થયેલી સંખ્યા બતાવી રહ્યા છે. કોંગ્રેસ જુઠ્ઠાણા ફેલાવે છે કે, રાષ્ટ્રીય પાર્ટીના નેતૃત્વએ જુઠ્ઠાણા ફેલાવવા જોઇએ નહીં. જેટલીએ વધુમાં જણાવ્યું હતું કે, રાફેલ ડીલનો સોદો એ બે સરકારો વચ્ચે થયેલો સોદો છે, તેમાં ક્વોત્રોચી જેવા વચેરિયાઓ નથી. આ સોદો થયે અઢી વર્ષ થઇ ચૂક્યા છે, ત્યારે માત્રને માત્ર ગુજરાતમાં ચૂંટણી સમયે આવો ખોટો મુદ્દો ઉઠાવી લોકોને ગેરમાર્ગે દોરવાનો હીન પ્રયાસ કોંગ્રેસ કરી રહી છે, પત્રકાર પરિષદમાં પ્રશ્નોના જવાબ આપતા જેટલીએ જણાવ્યું હતું કે, હાફીઝ સઇદ અંગે દેશની મોટી રાજકીય પાર્ટીના નેતાઓએ નાદાની ભર્યા નિવેદનો ન કરવા જોઇએ. રોજગારી અંગેના રાહુલ ગાંધીના નિવેદન અંગે જેટલીએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી પહેલા નક્કી કરે કે, ગુજરાતમાં બેરોજગારીનો આંકડો સાચો શું ? સવારે કંઇક જુદુ બોલે છે, બપોરે કંઇક જુદુ બોલે છે અને સાંજે કંઇક જુદા આંકડા આપે છે.ભાજપાએ સંસદનું શિયાળુ સત્ર બોલાવ્યું છે. ૧૫ ડિસેમ્બરે શરૂ થનાર શિયાળુ સત્રના કારણે કદાચ રાહુલ ગાંધી આ વખતે નવા વર્ષની ઉજવણીમાં વિદેશ નહીં જઇ શકે તેવો કટાક્ષ તેમણે અંતમાં કર્યો હતો.