અમદાવાદ, તા.ર૩
ગુજરાતમાં વિધાન સભાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ છે ત્યારે ગુજરાતની મુલાકાતે આવેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા ગુલામનબી આઝાદે શિયાળુસત્ર પાછુ ઠેલવા તેમજ વિકાસ સહિતના મુદ્દે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણી સમયે અનેક પ્રકારની ચર્ચાઓથી બચવા માટે ભાજપે સંસદનું શિયાળુસત્ર પાછું ઠેલ્યું છે. જ્યારે ભાજપને ખેડૂતો, મજૂરો, ગરીબોની કંઈ પડી જ નથી તેમ પણ તેમણે જણાવ્યું હતું વળી તેમણે સંસદનું શિયાળુ સત્ર પાછું ઠેલવાને અવાજને દબાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, રર-રર વર્ષોથી ભાજપના શાસનમાં કંટાળેલી ગુજરાતી પ્રજાએ આ વખતે ભાજપને ભગાડવાનું મન બનાવી લીધું છે. જે દેખાઈ પણ રહ્યું છે. મોંઘવારી બેરોજગારી, નોટબંધી, જીએસટી, વિકાસની ખોટી વાતોથી કંટાળેલી ગુજરાતી પ્રજા આ વખતની ચૂંટણીમાં ભાજપને બરાબર જવાબ આપશે. સાથે જ તેમણે વિકાસ સહિતના મુદ્દે ભાજપ પર આકરા પ્રહાર કરી મતદારોને વિભાજીત ન થઈ કોંગ્રેસને જીતાડવાનું પણ આહ્વાન કર્યું હતું.