અમદાવાદ, તા.૧૩
ડિજિટલ ઈન્ડિયાની વાતો જોરશોરથી કરીને નોટબંધી બાદ કેશલેશ ઈન્ડિયાની વાતો કરનારી ભાજપ સરકાર ડિજિટલ ઈન્ડિયા બનાવવા પ્રચાર કરી રહી છે. ત્યારે દેશના વડાપ્રધાન મોદીના હોમગ્રાઉન્ડ એવા ગુજરાતમાં ખુદ મુખ્યમંત્રીનું કોઈ સત્તાવાર ઈમેલ આઈડી જ નથી તેવી ચોંકાવનારી વિગતો આરટીઆઈમાં જાણવા મળી છે.
અમદાવાદના સામાજિક કાર્યકર મુજાહિદ નફિસે આરટીઆઈ કરીને ગુજરાતના મુખ્યમંત્રીના મુખ્ય સચિવ પાસે કેટલાક મુદ્દાની વિગતો માગી હતી. જેમાં રાજ્ય સરકાર તરફથી આરટીઆઈના જવાબમાં જણાવાયું હતું કે મુખ્યમંત્રીને મળવા આવનારાનું કોઈ રજિસ્ટર રાખવાનું હોતું નથી. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા ખાણીપીણીના વર્ષવાર ખર્ચનું પણ કોઈ રેકર્ડ ઉપલબ્ધ નથી. તેમજ મુખ્યમંત્રીએ કરેલી જાહેરાતોનો અમલ કરાવવા માટે કોઈ સમિતિ રચવામાં આવી હોવાની માહિતી પણ મુખ્યમંત્રી કાર્યાલય પાસે નથી. તદ્ઉપરાંત મુખ્યમંત્રીનું સત્તાવાર અધિકૃત ઈ-મેઈલ આઈડી નથી પરંતુ કાર્યાલયની વેબસાઈટ છે. એવી વિગતો સરકાર દ્વારા આપવામાં આવી છે ત્યારે આ અંગે આરટીઆઈ મુજાહિદ નફીસે જણાવ્યું હતું કે આરટીઆઈમાં સરકારે જણાવ્યું છે કે ગુજરાતના મુખ્યમંત્રીનું કોઈ સત્તાવાર ઈ-મેઈલ એડ્રસ જ નથી. જો કે દેશની તમામ પ્રજાને ડિજિટલ ઈન્ડિયાની ઝુંબેશમાં જોડવાની સાલહ દેનારી સરકારની મોટી મોટી જાહેરાતો તેમના મોડલ રાજ્ય ગુજરાતમાં જ નિષ્ફળ જોવા મળી રહી છે. તેનાથી ચોંકાવનારી વિગતો એ છે કે મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવેલી જાહેરાતોના અમલની વાતો માત્ર કાગળો ઉપર જ રહે છે. કેમ કે મુખ્યમંત્રી કાર્યાલય પાસે મુખ્યમંત્રીએ કરેલી જાહેરાતોના અમલ માટે કોઈ સમિતિ જ નથી તો પછી સાડા છ કરોડ ગુજરાતની પ્રજાના પ્રશ્નો વર્ષો સુધી ઉકેલાયા વગર જ રહેશે. એમ મુજાહિદ નફિસે જણાવ્યું હતું.