એસ્સાર કંપનીમાં માલ ભરીને આવેલ ટ્રકમાંથી અફીણનો જથ્થો ઝડપાયો

ધરપકડ ખંભાળિયા, તા. ૧
ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ પર એસ્સાર કંપનીમાં માલ ભરીને આવેલા પંજાબના એક ટ્રકની કંપનીના સિક્યોરિટી સ્ટાફે તલાશી લેતા તે ટ્રકમાંથી ત્રણ કિલો ઉપરાંતનો અફીણનો જથ્થો મળી આવ્યો છે. સિક્યોરિટીએ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે ટ્રકના ડ્રાઈવર-ક્લિનર સામે એનડીપીએસ એક્ટની કલમ હેઠળ ગુન્હો નોંધી ધરપકડ કરી છે અને અફીણનો જથ્થો તેમજ ટ્રક કબજે કર્યા છે.
ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ પર આવેલા દેવરિયા ગામ નજીકની એસ્સાર ઓઈલ કંપનીમાં ગઈકાલે સાંજે પીબી-૦૫-એબી ૫૨૩૩ નંબરનો એક ટ્રક માલસામાન ભરીને પંજાબથી આવ્યો હતો.
આ ટ્રક દેવરિયા ગામ સામે આવેલા એસ્સાર કંપનીના એનઈ ગેઈટ પાસે સિક્યોરિટી ચેકીંગ માટે ઉભો રાખવામાં આવ્યો હતો. આ વેળાએ સિક્યોરિટીના કર્મચારી રાજેશ જે. બથવારે અન્ય સિક્યોરિટી સ્ટાફને સાથે રાખી તે ટ્રકનું ચેકીંગ કરતા તેમાંથી શક પડતો પાવડરનો કેટલોક જથ્થો પેકેટમાં જોવા મળતા સિક્યોરિટી સ્ટાફે ટ્રકચાલક પંજાબના અમૃતસરના લખવીરન્દસિંઘ મહેંગાસિંઘ (ઉ.વ.૩૩) તથા ટ્રકના ક્લિનર પંજાબના તરણતારણ ગામના કિરણસિંઘ બલવીરન્દરસિંઘ (ઉ.વ.ર૬) નામના બે શખ્સોને અટકાયતમાં રાખ્યા હતા અને ખંભાળિયા પોલીસને આ જથ્થો મળ્યાની જાણ કરી હતી.
જાણના પગલે દોડી ગયેલા પોલીસ કાફલાએ ૮૦૮ ગ્રામ વજનના જુદા-જુદા પેકેટમાં રહેલા આ પાવડરની ચકાસણી કરતા તે અફીણનો જથ્થો હોવાનું બહાર આવ્યું હતું જેના પગલે ચોંકી ગયેલી પોલીસે કુલ ૩ કિલો ૮૦૮ ગ્રામ વજનનો અફીણનો પાવડર કબજે કરી ટ્રક ડ્રાઈવર તથા ક્લિનરની અટકાયત કરી પોલીસ સ્ટેશન ખસેડયા હતા.
ત્યાર પછી પોલીસે સિક્યોરિટી ઓફિસર રાજેશ બથવારની ફરિયાદ પરથી આ બન્ને સામે એનડીપીએસ એકટની કલમ ૧૫ (બી), ર૯ હેઠળ ગુન્હો નોંધી ધરપકડ કરી છે. પોલીસે રૃા.ર૦ લાખની કિમતનો ટ્રક તેમજ બન્ને શખ્સોના બે મોબાઈલ કબજે કર્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks