RTE અંગે વિધાનસભામાં નિયમ ૧૦૧ હેઠળ ગ્યાસુદ્દીન શેખનો પ્રસ્તાવ દાખલ
(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૬
રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ ગરીબ અને મધ્યમવર્ગના પરિવારના બાળકો ખાનગી શાળામાં ગુણવત્તાસભર શિક્ષણ મેળવી શકે તે હેતુથી વર્ષ ર૦૧ર-૧૩માં કાયદો અમલમાં આવ્યો પરંતુ શરૂઆતના ત્રણ વર્ષ સુધી એકપણ બાળકને પ્રવેશ ન આપી ખાનગી શાળાઓના સંચાલકોને ભાજપ સરકારે કમાણી કરવાની તક આપી હોવાનો આક્ષેપ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કર્યો છે. ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના સહપ્રવકતા અને અમદાવાદ શહેરના દરિયાપુર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે રાજ્યમાં રાઈટ ટુ એજ્યુકેશન એક્ટના અમલ બાબત અને તે અંતર્ગત અમદાવાદ શહેર અને જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં વારંવાર વર્ષવાર કેટલા બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો ? તેવો પ્રશ્ન પૂછ્યો હતો. તે પ્રશ્નના જવાબમાં ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. લેખિતમાં જવાબમાં જણાવવામાં આવ્યું છે કે અમદાવાદ શહેરના વર્ષ ર૦૧પ-૧૬માં માત્ર ૩,૭૧ર અને વર્ષ ર૦૧૬-૧૭માં ૮૭૭૮ વિદ્યાર્થીઓ જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં વર્ષ ર૦૧પ-૧૬માં રપપ૪ અને વર્ષ ર૦૧૬-૧૭માં ૪૧૯૮ બાળકોને પ્રવેશ આપવામાં આવેલ હતો. કાયદાનો અમલ કર્યા પછી ત્રણ વર્ષ સુધી એટલે કે ગરીબ પરિવારના એકપણ બાળકને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. RTE એક્ટનો અમલ કરાવવા અંગે અધ્યક્ષના આદેશ અનુસાર વિધાનસભાના નિયમોના નિયમ-૧૦૧ અન્વયે ગ્યાસુદ્દીન શેખનો તા.ર૮/ર/ર૦૧૭ના રોજ પ્રસ્તાવ દાખલ થયેલ છે જે મુજબ રાજ્યમાં રાઈટ ટુ એજ્યુકેશન એક્ટનો અમલ તા.૦૧/૦૪/ર૦૧૦થી હોવા છતાં વર્ષ ર૦૧૧-ર૦૧ર, ર૦૧ર-૧૩ અને ર૦૧૩-ર૦૧૪ના ત્રણ વર્ષમાં રાજ્યમાં એકપણ ખાનગી શાળામાં બાળકને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના હજારો બાળકોને ઊંચી ફી ભરવી પડે છે. જેથી રાજ્યની તમામ ખાનગી શાળાઓ રાઈટ ટુ એજ્યુકેશન એક્ટનો કડક રીતે અમલ કરાવીને ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને પ્રવેશ મળે તેવા પગલાં લેવા આ સભાગૃહ રાજ્ય સરકારને અનુરોધ કરે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ પ્રવેશ આપવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે તે પ્રક્રિયા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારના બાળકોને પ્રવેશથી વંચિત રાખવાનો કારસો જ માત્ર જણાય છે, કારણ કે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો પાસે ઓનલાઈન પ્રક્રિયાથી ફોર્મ ભરવા માટેની પૂરતી જાણકારી હોતી નથી. ઉપરાંત સરકારે આવા ફોર્મ ભરવા પૂરતા સેન્ટરો પણ ખોલ્યા નથી. આથી આવા પરિવારના બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે પંદર દિવસનો સમય વધારવા અને ઓનલાઈન અને મેન્યુઅલી બંને પ્રકારે ફોર્મ ઉપલબ્ધ કરાવવા ગ્યાસુદ્દીન શેખએ માગણી કરી હતી.