(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૬
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ઈવીએમ હાલ વિવિધ સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત મૂકવામાં આવ્યા છે. ઈવીએમ સાથે ચેડાં થયાની કે બ્લુટૂથ કે વાઈફાઈ સાથે કનેક્ટ થતાં હોવાની ફરિયાદો બાદ કોંગ્રેસ વધુ સજાગ બન્યો છે. આથી ઈવીએમ સાથે ચેડાં ન થાય તે માટે સ્ટ્રોંગ રૂમની આસપાસ યુથ કોંગ્રેસના કાર્યકરો ર૪ કલાક ચોકી પહેરો ભરશે.
ઈવીએમ એટલે કે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન સાથે ચેડાં થતાં હોવાની ફરિયાદો નવી નથી. એમાંય આ ચૂંટણીમાં ઈવીએમ બ્લુટૂથ સાથે કનેક્ટ થવાની ઘટનાઓ સામે આવતા કોંગ્રેસની ચિંતામાં વધારો થયો છે. કારણ કે કોંગ્રેસનું માનવું છે કે ભાજપ જન સમર્થનથી જીતી શકે તેવી કોઈ શક્યતા નથી, આથી ઈવીએમમાં ચેડાં કરીને કે કોઈ ગરબડ કરીને જ જીતી શકે છે. આ કારણસર કોંગ્રેસ વધુ સજાગ બની છે.
ઈવીએમ સાથે થનારી સંભવિત છેડછાડને અટકાવવા કોંગ્રેસ પક્ષ સજ્જ બન્યો છે. જે અંતર્ગત તમામ જિલ્લાઓના પ્રમુખ, હોદ્દેદારો અને ચૂંટણી લડતા ઉમેદવારોને ૧૮ ડિસેમ્બર સુધી પોતપોતાના વિસ્તારમાં જ્યાં ઈવીએમ રાખવામાં આવ્યા હોય તે સ્ટ્રોંગ રૂમની આસપાસ ર૪ કલાક ચોકી પહેરો રાખવાનો પ્રદેશ કોંગ્રેસ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. આ કામગીરી ખાસ કરીને યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકરોને સોંપવામાં આવી છે.
અત્રે નોંધનીય છે કે ચૂંટણી પંચ દ્વારા ઈવીએમની સુરક્ષા માટે દરેક જિલ્લા મથકો ખાતે સ્ટ્રોંગરૂમ બનાવવામાં આવ્યા છે. આ સ્ટ્રોંગરૂમની સુરક્ષાની જવાબદારી બીએસએફ સહિત પેરા મિલિટરી ફોર્સને સોંપવામાં આવી છે પરંતુ ઈવીએમ સાથે બ્લુટૂથ કે વાઈફાઈ કનેક્ટ કરી ચેડાં થઈ શકે છે તેવી ફરિયાદો ઊઠ્યા બાદ કોંગ્રેસે પોતાના કાર્યકરોને પણ સ્ટ્રોંગરૂમની આસપાસ ર૪ કલાક ચોંકી પહેરો ભરવા સૂચના આપી છે અને જરાં પણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય કે સ્ટ્રોંગરૂમની આસપાસ કોઈ શંકાસ્પદ હિલચાલ જણાય તો તુરંત જ જિલ્લાના જવાબદાર હોદ્દેદારને જાણ કરવાની રહેશે અને શક્ય હોય તો વીડિયો કે ફોટો દ્વારા પુરાવા એકત્ર કરવાના રહેશે જેથી ચૂંટણીપંચમાં પુરાવા સહ ફરિયાદ કરી શકાય.