અમદાવાદ, તા.૧
અમદાવાદમાં હાલ યુનિવર્સિટીની પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે ગુજરાત યુનિવર્સિટીની મોટી બેદરકારી સામે આવી છે. યુનિવર્સિટીની એમએ સેમેસ્ટર-૧ની પરીક્ષામાં છબરડો થયો છે. યુનિવર્સિટીની એક ભૂલના કારણે અમદાવાદના મણીનગરમાં આવેલી કે.કા.શાસ્ત્રી કોલેજમાં લેવાતી એમએ સેમેસ્ટર-૧ની પરીક્ષાને થોડા સમય માટે અટકાવી દેવામાં આવી હતી. યુનિવર્સિટી દ્વારા આ કોલેજમાં અપૂરતા પ્રશ્નપત્ર મોકલતા પરીક્ષા શરૂ કરવામાં આવી ન હતી. આ મામલે મળતી વિગતો અનુસાર વાત કરવામાં આવે તો કે.કા.શાસ્ત્રી કોલેજમાં એમએ સેમેસ્ટર-૧ની પરીક્ષા શરૂ થવાનો સમય સવારે ૮ઃ૩૦ વાગ્યાનો હતો. જ્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે કોલેજમાં પહોંચ્યા ત્યારે યુનિવર્સિટી દ્વારા મોકલવામાં આવેલા પ્રશ્નપત્ર ઘટ્યા હતા. આ કારણે મોટાભાગના વિદ્યાર્થીઓ પોતાની પરીક્ષા સમયસર શરૂ કરી શક્યા ન હતા.
પેપર ઘટવાના કારણે કોલેજનું તંત્ર દોડતું થઈ ગયું હતું અને યુનિવર્સિટીમાં આ બાબતે જાણ કરીને પેપર મંગાવ્યા હતા. ૯ઃ૩૦ વાગ્યા સુધી પણ યુનિવર્સિટી દ્વારા પેપર કોલેજમાં ન પહોંચતા કોલેજના સંચાલકોએ પેપરની ઝેરોક્ષ કરીને વિદ્યાર્થીઓને પેપર પૂરા પાડ્યા હતા. મોડા પેપર મળવાના મોટા ભાગના વિદ્યાર્થીઓની પરીક્ષા ૮ઃ૩૦ના બદલે ૯ઃ૩૦ વાગ્યે એટલે કે એક કલાક મોડી શરૂ થઈ હતી. આ બાબતે એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટીમાં રજૂઆત કરવામાં આવતા યુનિવર્સિટી દ્વારા પરીક્ષાના સમયમાં ૩૦ મિનિટનો વધારો કરવામાં આવ્યો હતો.