National

દિલ્હીમાં ત્રણ વર્ષની બાળકી પર બળાત્કાર ફેસબુક પર વાલીએ મદદ માગી

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૧
ગયા અઠવાડીએ દિલ્હીની એક શાળામાં ત્રણ વર્ષની બાળકી પર તેની શાળામાં બળાત્કારની ઘટનાનો વીડિયો બાળકીના માતા-પિતાએ ફેસબુક પર મૂક્યો છે. તેમ છતાં શાળાના સંચાલકોને આવી કોઈ ઘટના બની હોવાનો ઈન્કાર કર્યો છે પરંતુ મેડિકલ રિપોર્ટમાં શારીરિક છેડછાડની પૃષ્ઠિ થઈ છે. તેથી ફરિયાદ નોંધાઈ છે. હજુ સુધી કોઈની ધરપકડ કરાઈ નથી. પીડિતાના વાલીએ ફેસબુક પર વીડિયો રજૂ કરી મદદ માગી છે. બે હાથ ફેલાવી લોકોને મદદ માટે આજીજી કરે છે. નોર્થ દિલ્હી શાળાથી બાળકી ઘરે આવી ત્યારે તેના ગુપ્તાંગમાં લોહીના ડાઘ હતા. જેથી તેને ગાયનેક પાસે લઈ જવાઈ હતી. ડોક્ટરે ચેક કરી કહ્યું કે, બાળકી પર જાતિય હુમલો થયો છે. ત્યારબાદ વાલીએ પોલીસનો સંપર્ક કર્યો હતો. વાલીએ ફરિયાદ કરી કે ર૪ કલાક સુધી પોલીસે ફરિયાદ નોંધી ન હતી અને ધમકી આપી હતી. પોલીસે શાળાને ક્લિનચીટ આપી કહ્યું હતું કે શાળાના સમય સમાપ્ત સુધી આવી કોઈ ઘટના બની નથી. જે બન્યું છે તે ઘરે બન્યું છે. પોલીસે કહ્યું કે શાળાના સીસીટીવી કેમેરાની ચકાસણી દરમિયાન કોઈ પુરાવો મળ્યો નથી. મંગળવારે ઘટનાના વિરોધમાં વાલીઓ અને પાડોશીઓએ શાળા સમક્ષ દેખાવો યોજ્યા હતા અને તપાસ માગી હતી. વાલીએ શાળામાં અગાઉ તેમની પુત્રી પર ચોકથી હુમલાની ઘટના વર્ણવી હતી. બાળકી શાળામાંથી તેની પેન્ટી વગર ઘરે આવી હતી. વાલીએ ફેસબુક પર લખ્યું કે આજે જે ઘટના મારી સાથે થઈ રહી છે તે કાલે તમારી સાથે પણ થઈ શકે છે. તેથી મદદ કરો.