(એજન્સી) પરગના, તા.૪
પ.બંગાળના ર૪ પરગના જિલ્લામાં છેલ્લા બે દિવસથી તોફાનો ફાટી નીકળ્યા છે. ટોળાએ ડઝનથી વધુ દુકાનો અને મકાનો અને ૬ પોલીસના વાહનોને આગ ચાંપી હતી. ૧૧માં ધોરણના વિદ્યાર્થીએ ફેસબુક ઉપર ધાર્મિક નિંદાત્મક ટિપ્પણી લખી હતી જેના લીધે કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા. હિન્દુ વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી હતી અને આ વિસ્તારમાં પ્રતિબંધનાત્મક આદેશો જારી કરાયા છે પણ તોડફોડ સોમવારે અને મંગળવારે ચાલુ રહી હતી. વહીવટી વિભાગે લોકોને માહિતી આપી ન હતી કે ટિપ્પણી કરનારની ધરપકડ કરવામાં આવી છે. બહુરિયા વિસ્તારના ધારાસભ્ય કાઝી અબ્દુલ રહીમે માહિતી આપી હતી જ્યાં આ ઘટના બની છે. મમતા બેનરજીએ આના માટે ભાજપ ઉપર આરોપ મૂક્યો છે અને એ સાથે રાજ્યપાલ કેશરીનાથ ઉપર પણ આક્ષેપો કર્યા છે. જે ભાજપના પ્રવકતા અને બ્લોક પ્રમુખ તરીકે વર્તન કરી રહ્યા છે. મમતાએ કહ્યું કે રાજ્યપાલે મને ધમકી આપી હતી. એ મને ધમકી આપી શકે નહીં. કોમી હિંસા બાબતે મમતાએ કહ્યું જે કોઈ પણ દોષી હશે એની સામે કડક પગલાં લેવામાં આવશે. ભાજપ ઉશ્કેરણી કરશે પણ તમે એમની જાળમાં ફસાશો નહીં. જે લોકોએ સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડ્યું છે એમણે ચૂકવણી કરવી પડશે. રોષે ભરાયેલ મુસ્લિમોએ હિન્દુઓના દુકાનો અને ઘરોમાં આગ ચાંપી હતી. કેન્દ્ર સરકારે અર્ધલશ્કરી દળોના ૩૦૦ સભ્યો સ્થળ ઉપર મોકલ્યા છે. સોમવારે સવારે ઓલ ઈન્ડિયા સુન્નત અલ જમાઅતે મુસ્લિમોને અપીલ કરી હતી કે રથયાત્રાના દિવસે રોડ બ્લોક કરવાની પ્રવૃત્તિથી દૂર રહેવું. ઘણી જગ્યાઓએ રથયાત્રા યોજાઈ શકી ન હતી. બદુરિયાના કોમી તોફાનો હાલમાં નવેસરથી થયા છે. ગયા વર્ષના ઓકટોબર મહિનાથી બંગાળના ૧૦ જિલ્લાઓમાં કોમી રમખાણો થયા હતા જે રાજ્ય સરકાર માટે પડકાર છે. ર૪ પરગના જિલ્લામાં સૌથી વધુ વસ્તી છે. ખાસ કરી આ જિલ્લામાં મુસ્લિમોની ર૬ ટકા વસ્તી છે. મમતા બેનરજીએ આ વર્ષે મે મહિનામાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓને સૂચના આપી હતી કે જે કોઈ વ્યક્તિ કોમી તંગદિલી ફેલાવે એની સામે ખૂબ જ કડક પગલાં લેવામાં આવે પછી ભલે એ ગમે તે પક્ષ અથવા સમુદાય સાથે જોડાયેલ હોય.