(એજન્સી) લખનઉ, તા. ૧૮
ફૈઝાબાદના વિદ્યાર્થીઓને અયોધ્યામાં આદિત્યનાથની દિવાળી કાર્યક્રમમાં હાજરી આપવાનું કહેવામાં આવતાં દલિત શિક્ષકોનો દેખાવ કર્યો હતો. યુપી સરકારે ફૈઝાબાદ જિલ્લાના શિક્ષકોને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કાર્યક્રમમાં હાજરી આપવાનો આદેશ આપતાં શિક્ષકોએ તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો. સમગ્ર રાજ્યભરના દલિત સંગઠન એવા ડો.આઁંબેડકર માધ્યમિક શિક્ષા સેવા સમિતીના સભ્યોએ દાવો કર્યો કે આ ગેરબંધારણીય અને અવૈજ્ઞાનિક આદેશ છે જે બાળકોમાં અંધશ્રદ્ધાને જન્મ આપશે. સમિતીએ એક નિવેદનમાં કહ્યું કે કોઈ એક ધર્મના કાર્યક્રમમાં ભાગ લેવાનો બાળકોને આદેશ આપવાનું ફરજિયાત બનાવવાનો આદેશ બિનતાર્કિક છે. સમિતીએ કહ્યું કે આ કાર્યક્રમને કારણે છેલ્લા કેટલાલ દિવસોથી શિક્ષણકામ ઠપ્પ થઈ ગયું છે. સંગઠનના પ્રમુખ રામ સુધાવ લલિતે કહ્યું કે વિદ્યાર્થીઓને વાંદરા અને રાક્ષસોના વેશમાં હાજર રહેવાનું કહેવામાં આવ્યું. આવી ગેરવૈજ્ઞાનિક અને અતાર્કિક પ્રદર્શન બાળકોના કૂમળા મન પર ખોટી અસર પાડશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દિવાળીની ઉજવણી આજે ખુબ જ શાનદારરીતે અયોધ્યામાં કરી હતી. યોગી આદિત્યનાથના નેતૃત્વમાં અયોધ્યા ત્રેતાયુગ જેવી દિવાળી કળયુગમાં પણ ઉજવાઈ હોવા માટે સાક્ષી બની હતી. અયોધ્યામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને લોકો ભેગા થયા હતા.નવા ઘાટ ઉપર સાંજે લેસર શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભવ્ય પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્રેતાયુગની આ ખાસ દિવાળીમાં પુષ્પક વિમાન પણ રાખવામાં આવ્યું હતું. રામ અને સીતા લક્ષ્મણ સાથે હેલિકોપ્ટરથી પહોંચ્યા હતા. સાથે સાથે રામના રાજ્યાભિષેક વેળા રથ, સૈનિકો પણ રહ્યા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તિલક લગાવીને ભગવાન શ્રીરામનું સ્વાગત કર્યું હતું. શોભાયાત્રા દરમિયાન હેલિકોપ્ટરથી ફુલની વર્ષા પણ કરવામાં આવી હતી.