(એજન્સી) તા.૧૭
તાજેતરમાં પ્રકાશિત થયેલું ભારત ધ્વંસ ચાર વર્ષનો અહેવાલ નામનું પુસ્તક પૂરોગામી સરકારો અને હાલની સરકાર વચ્ચેનો તફાવત દર્શાવતા કહે છે કે હાલની સરકારે ફાસીવાદની ૧૪ લાક્ષણિકતાઓમાંથી પ૦ ટકા જેટલી લાક્ષણિકતાઓમાંથી પ૦ ટકા જેટલી લાક્ષણિકતાઓ મેળવી લીધી છે. આ પુસ્તકમાં ચેતવણી આપવામાં આવી છે કે, જો ર૦૧૯માં આ સરકાર ફરી સત્તામાં આવી તો ફાસીવાદ તેની ચરમસીમાએ પહોંચી જશે. આ પુસ્તક ર૪ વિખ્યાત પ્રતિભાઓએ લખેલા લેખોનો સંગ્રહ છે જેમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકારના છેલ્લા ચાર વર્ષના શાસનનું ઝીણવટભર્યું અવલોકન છે. શનિવારે નવી દિલ્હી સ્થિત કોન્સ્ટીટયુશન કલબ ખાતે આ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. તેમાં મણિશંકર ઐયર, એડમિરલ એલ.રામદાસ, હર્ષ મંદર, કવિતા ક્રિષ્નન, અશોક વાજપેયી અને અન્ય ખ્યાતનામ સામાજિક કાર્યકરો અને રાજનેતાઓએ લખેલા લેખો છે. આ પુસ્તકનું સંપાદન કર્મશીલ જ્હોન દયાલ, લીના દાવિરૂ અને શબનમ હાશ્મીએ કર્યું છે. બધા જ લેખકો એક વાત પર સંમત હતા કે અસંમત લોકો માટેનું કાર્યક્ષેત્ર સંકોચાઈ રહ્યું છે અને અસંમત સંસ્થાઓ વચ્ચે અને વિરોધીઓ પર હુમલા સતત વધી રહ્યા છે. જો અસંમત લોકો વિદ્યાર્થી અથવા વિરોધી જૂથના હોય તો તેમને કચડવા માટે દેશદ્રોહી શબ્દનો ઉપયોગ થાય છે. સુપ્રીમકોર્ટની વકીલ ઉષા રામનાથને આધાર વિશે કહ્યું હતું કે જ્યારે શાસક પક્ષ વિપક્ષમાં હતો ત્યારે આધારનો સખ્ત વિરોધી હતો પરંતુ જો તે જ્યારે સત્તામાં આવ્યો ત્યારે તેણે યુ-ટર્ન લઈ આધારને એવી રીતે લાગુ કર્યું કે સમગ્ર દેશમાં ઉત્થાન મચી ગયો. જાણીતી સ્ત્રી અધિકાર કર્મશીલ કવિતા ક્રિષ્નને કહ્યું હતું કે હાલની સરકારના શાસનમાં મહિલાઓની સ્વાયતત્તા અને અધિકારો પર સૌથી ખરાબ હુમલાઓ થયા છે અને ત્રણ તલાક વિશે સરકારનું જે વલણ છે તે માત્ર મુસ્લિમ પુરૂષોને અપરાધી બનાવવાનું ષડયંત્ર છે. બધા જ લોકોના મંતવ્ય મુજબ છેલ્લા ચાર વર્ષમાં સરકારે ‘સબકા સાથ સબકા વિકાસ’ સૂત્રના વિરૂદ્ધમાં કાર્ય કર્યું છે. આ ઉપરાંત ભાજપે દેશને ‘નફરતનું ગણતંત્ર’ બનાવી તેને ખેતી વિષયક, આર્થિક અને શૈક્ષણિક કટોકટીમાં ધકેલી દીધું છે.