(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા. ૮
ભરૂચ દહેજ ખાતે આવેલ ઓપેલ કંપનીની વડોદરા અલકાપુરી ખાતે આવેલ ઓફીસ બોય તરીકે કોન્ટ્રાકટમાં કામ કરતાં ૪૪ વર્ષીય કર્મચારીને નોકરી પરથી છુટા કરવામાં આવતા બેકારીનાં કારણે તેમજ તેમના નિકળતા પીએફના નાણાં ન મળવાને કારણે ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ હતી. મકરપુરા પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પીટલમાં લાવવામાં આવ્યો હતો.
માહિતીગાર સુત્રો દ્વારા બનાવની પ્રાપ્ત વિગત મુજબ વડોદરા દંતેશ્વર ખાતેના ચિંતનનગરમાં રહેતા સંતોષભાઇ ગંગારામ ભામરે (ઉ.વ.૪૪) વડોદરા અલકાપુરી ખાતે ભરૂચ દહેજ ખાતે આવેલ ઓપેલ ઓએનજીસી કંપનીની ઓફીસમાં જીસીપાલના પેપીલોન કેરટેકીંગના કોન્ટ્રાકટમાં છેલ્લાં આઠ નવ વર્ષથી ઓફીસ બોય તરીકે નોકરી કરતાં હતા. જોકે ઉપરોકત જીસીપાલનો કોન્ટ્રાકટ બદલાય જતાં નવો કોન્ટ્રાકટ ડેલ્ટા કંપનીને આપવામાં આવ્યો હતો. જેથી નવા કોન્ટ્રાકટરે જુના જીસીપાલના કોન્ટ્રાકટના કર્મચારીઓને છુટા કરી દેવામાં આવ્યા હતા. જેથી ૨૦ થી ૨૨ જેટલા કર્મચારીઓ બેરોજગાર બન્યા હતા. સંતોષ ગંગારામ ભામરેએ સર્વિસ દરમ્યાન નાની-મોટી કેટલીક લોન લીધી હતી. તે દરમ્યાન તેઓની નોકરી છુટી જતાં કંપનીના કોન્ટ્રાકટના સંચાલક પાસે તેઓના પીએફના પૈસાની માંગણી કરી હતી. પરંતુ તેઓને પીએફના પૈસા ન મળતા તેઓ આર્થિક ભીસમાં તેમજ બેકારીનાં ખપ્પરમાં આવી ગયા હતા. લોન ભરપાઇ કરવાની ચિંતાના કારણે તેઓએ મંગળવારે ઘરે પંખા સાથે રસોડામાં દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઇ આપતઘાત કરી લીધો હતો. આપઘાતના બનાવને પગલે ભામરે પરિવારમાં શોકની લાગણી ફેલાય ગઇ હતી. બનાવની જાણ મકરપુરા પોલીસને કરવામાં આવતા પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી. જ્યાં કાયદેસરની કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પીટલમાં લાવવામાં આવ્યો હતો.