વડોદરા : ‘ફ્રેન્ડશીપ ડે’ના દિવસે યુવાને ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૬
શહેરના નાગરવાડા વિસ્તારનાં યુવાને ફ્રેન્ડશિપ ડેના દિવસે ગળે ફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી લીધી હતી. આ યુવાન જે યુવતીને તેની ફ્રેન્ડ બનાવવા માંગતો હતો. તે યુવતીએ ફ્રેન્ડશિપનું પ્રપોઝલ ઠુકરાવી દેતા તેણે અંતિમ પગલું ભર્યું હોવાની ચર્ચા છે. જોકે, સ્થાનિક મિત્રોએ આવી ચર્ચાઓ ખોટી હોવાની વાત કરી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં આવેલી સંતોષી માતાની પોળમાં રહેતા રાહુલ રમેશભાઇ વડીયાતરે (ઉં.વ.૨૦) રવિવારે ફ્રેન્ડશિપ ડેના દિવસે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઇ લીધો હતો. રાહુલ ગાજરવાડી પટેલ એસ્ટેટ સ્થિત એક યુનિટમાં એમ્બ્રોઇડરીના કારીગર તરીકે નોકરી કરતો હતો. રાહુલ બે બહેનો વચ્ચે એકનો એક ભાઇ હતો. આ બનાવ બાદ એવી ચર્ચા ચાલી છે કે, રાહુલ જે યુવતીને પોતાની ફ્રેન્ડ બનાવવા માંગતો હતો. તે યુવતીને ફ્રેન્ડશિપ ડેના દિવસે ફ્રેન્ડશિપ રાખવા માટે પ્રપોઝ કર્યું હતું. પરંતુ, યુવતીએ રાહુલનું પ્રપોઝલ ઠુકરાવી દેતા તેને અંતિમ પગલું ભર્યું હતું. જોકે, સ્થાનિક રાહુલના મિત્રો અને પરિવારજનોએ આ વાતનો ઇન્કાર કરી દીધો હતો. આ ચર્ચાને માત્રને માત્ર અફવા ગણાવી હતી. નાગરવાડા વિસ્તારના સામાજિક કાર્યકર સંજયભાઇ મકવાણાએ જણાવ્યું હતું કે, સંતોષીનગરમાં રહેતા રાહુલ વડીયાતરે તેના ઘરમાં ફાંસો ખાઇ લીધો છે. રવિવારે રાહુલ એકલો જ ઘરે હતો. રાહુલના પિતા રમેશભાઇ અંબાજી દર્શન કરવા ગયા હતા. માતા ઘરકામ કરવા માટે ગયા હતા. જ્યારે તેની બે બહેનો ડાકોર દર્શન કરવા માટે ગઇ હતી. બપોરે રાહુલની માતા ઘરકામ કરીને પરત ફરી ત્યારે તેઓને રાહુલના આપઘાતની જાણ થઇ હતી. રાહુલે ચોક્કસ કયા કારણોસર ફાંસો ખાઇ લીધો છે. તે અંગેની કોઇ માહિતી નથી. માતા-પિતાના એકના એક અને બે બહેનો વચ્ચેના એકનાએક ભાઇએ આપઘાત કરી લેતા નાગરવાડામાં ગમગીની ફેલાઇ ગઇ છે. આગામી આવી રહેલા રક્ષાબંધનના દિવસે હું કોણે રાખડી બાંધીશ. તેવા કલ્પાંત સાથે રડી રહેલી રાહુલની બે બહેનોએ સંતોષી માતાની પોળમાં સન્નાટો પાથરી દીધો છે.નાગરવાડા વિસ્તારમાં ગમગીની ફેલાવી દેનાર આ બનાવ અંગે કારેલીબાગ પોલીસે અત્રે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts