(સંવાદદાતા દ્વારા)
છોટાઉદેપુર, તા.૨૮
તા.૧૪ ડિસેમ્બરના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી. આ ચૂંટણીની પ્રક્રિયામાં જિલ્લામાં વિવિધ વિભાગના કર્મચારીઓની નિમણૂક કરાઇ હતી. જેમાં મતદાન મથક પરના કર્મચારીઓ ઉપરાંત ઝોનલ અને આસિસ્ટન્ટ ઝોનલ અધિકારીઓ તેમજ રિસિવિંગ અને ડિસ્પેચિંગની કામગીરી કરનારા કર્મચારીઓ કામગીરીમાં જોડાયા હતા. આ તમામ કર્મચારીઓના બેંક એકાઉન્ટ નંબર તેમજ ખાતાઓની વિગતો લેવામાં આવી હતી. જેથી ચૂંટણીની કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓના ખાતામાં સીધા પૈસા જમા કરાવી શકાય. અગાઉ જ્યારે ચૂંટણી યોજાઇ હતી ત્યારે ચૂંટણીની કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓને ચૂંટણીના એટલે કે, મતદાનના દિવસે જ કામગીરીનું મહેનતાણું ચૂકવી દેવામાં આવતું હતું. જેથી ચૂંટણીના દિવસે જ કર્મચારીઓને મહેનાતાણાની રકમ મળી જતી હતી પણ આ વખતે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીની કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓ પૈકી ઘણા કર્મચારીઓને હજી સુધી મહેનતાણું મળ્યું નથી. જેથી કેટલાય કર્મચારીઓ હજુ સુધી મહેનતાણાથી વંચિત છે. જો કે, ત્રણેય વિધાનસભાના ચૂંટણી અધિકારીઓને આ અંગે પૂછવામાં આવતા તમામને નાણાં ઓનલાઇન ચૂકવી દીધાનો એક સમાન રાગ અલાપે છે.