(એજન્સી) ફરીદાબાદ, તા.૧૮
ફરિદાબાદ જિલ્લાના પલવાલી ગામમાં રવિવારે મોડી રાત્રે પાર્કિંગ મુદ્દે વિવાદ થતાં બે પરિવારના પ સભ્યોનાં મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ૬ લોકો ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, રવિવારે રાત્રે લગભગ ૯ કલાકની આસપાસ પાર્કિંગ મદ્દે બે જૂથ વચ્ચે વિવાદ સર્જાયો હતો. જો કે, પોલીસે તેમ પણ જણાવ્યું હતું કે, કેટલાક ગ્રામજનો દ્વારા કથિત રીતે એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે આ બે જૂથો વચ્ચે છેલ્લા કેટલાય વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. ૫ લોકોની હત્યા બાદ ગામમાં તણાવનો માહોલ જોવા મળી રહ્યો હોવાથી સોમવારે સવારે પોલીસનો કાફલો પલવાલી ગામમાં સાવચેતીના પગલાં લેવા માટે પહોંચી ગયો હતો. કથિતરૂપે આરોપીએ બે પરિવારના પ સભ્યો પર ગોળીબાર કરતાં તેઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે ૬ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલ થનાર લોકોમાં ગામના સરપંચ દયાવતીના પતિનો પણ સમાવેશ થાય છે. ઘાયલ થનાર દરેકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પોલીસ કમિશનર હનીફ કુરેશી પણ ઘટનાની જાણ થતાં દોડી આવ્યા હતા. આ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર લોકોની ઓળખ શ્રીચંદ, રાજીન્દર, ઈશ્વર, નાની અને દવિન્દર તરીકે કરવામાં આવી છે. તેઓ પલવાલી ગામના જ રહેવાસી હતા. ખેરીપુલ પોલીસ સ્ટેશનમાં ૨૫ આરોપીઓ તથા આ ઘટનામાં સંડોવાયેલા ૧૯ લોકોની વિરુદ્ધ એફ.આઈ.આર. દાખલ કરવામાં આવી છે. પોલીસ કમિશનર હનીફ કુરેશી દ્વારા આ કેસની તપાસ કરવા માટે સોમવારે એસ.આઈ.ટી.ની રચના કરવામાં આવી છે અને આ સમિતિ દ્વારા શંકાસ્પદોની પૂછપરછ કરવામાં આવી રહી છે.