દેશદ્રોહી નિવેદનો બદલ ગુલામનબી આઝાદ અને સૈફુદ્દીન સોઝ સામે ગુનાઇત ફરિયાદ

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૯
સેના સામે વિવાદાસ્પદ અને દેશદ્રોહી ટિપ્પણીઓ કરવા બદલ કોંગ્રેસના બે વરિષ્ઠ નેતાઓ ગુલામનબી આઝાદ અને સૈફુદ્દીન સોઝ સામે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં ગુનાઇત ફરિયાદ કરવામાં આવી છે. કાશ્મીરના સંદર્ભમાં ગુલામનબી આઝાદે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીને પાકિસ્તાન સ્થિત ત્રાસવાદી સંગઠન લશ્કરે તોઇબા દ્વારા સમર્થન આપવામાં આવ્યા બાદ ભાજપે કોંગ્રેસ સામે આકરા પ્રહારો કર્યા હતા. કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું કે કોંગ્રેસના નેતા ગુલામનબી આઝાદે કહ્યું હતું કે સેના દ્વારા કાશ્મીરમાં ત્રાસવાદીઓ કરતા વધુ સામાન્ય લોકોને મારી નાખવામાં આવી રહ્યા છે. ગુલામનબી આઝાદની આ ટિપ્પણી અત્યંત દુર્ભાગ્યપૂર્ણ, બેજવાબદાર અને શરમજનક છે.
ગુલામનબી આઝાદે જણાવ્યું હતું કે સેના ત્રાસવાદીઓ કરતા વધુ લોકોને મારી નાખે છે. તેઓ ચાર ત્રાસવાદીઓ સામે કાર્યવાહી કરે છે અને તેમની સાથે ૨૦ નાગરિકોને મારી નાખે છે. સેનાની કાર્યવાહી ત્રાસવાદીઓથી વધુ સામાન્ય લોકો સામે હોય છે. ઉદાહરણરૂપે પુલવામામાં સેનાએ એક ત્રાસવાદીની સાથે ૧૩ નાગરિકોને મારી નાખ્યા. સેનાની આ કાર્યવાહી દર્શાવે છે કે તેમની યોજના નરસંહારની હોય છે. તેઓ એવું કહેતા નથી કે તેઓ મંત્રણા દ્વારા આ મુદ્દો ઉકેલવા માગે છે. અમેરિકા અને ઉત્તર કોરિયાએ પણ મંત્રણા દ્વારા તેમના મતભેદો દૂર કર્યા છે.
પ્રતિક્રિયા આપતા કેન્દ્રીય પ્રધાન રાજ્યવર્ધનસિંહ રાઠોડે જણાવ્યું કે તેમને આશા છે કે ગુલામનબી આઝાદ કાશ્મીરમાં સરકારના પગલામાં પ્રત્યેક ચાર આતંકીઓ માટે ૨૦ નાગરિકોને મારી નાખવામાં આવતા હોવાનું કથિત નિવેદન પાછું ખેંચશે. તેમણે કહ્યું કે હું એવું સમજ્યો હતો કે આ નિવેદન કોઇ ત્રાસવાદીઓ પ્રત્યે સહાનુભૂતિ ધરાવનારે કર્યું છે પરંતુ રાજ્યસભામાં વિપક્ષનું આ નિવેદન દુઃખદ છે. સાહેબ, ત્રાસવાદીઓ નાગરિકોની હત્યા કરે છે, આપણી સેના અને પોલીસ કાશ્મીરીઓને બચાવવા માટે પોતાના પ્રાણની આહૂતિ આપે છે. મને આશા છે કે તમે પોતાનું નિવેદન પાછું ખેંચશો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks