ભૂજ, તા.૧૩
ભૂજ ખાતે મુસ્લિમ ગર્ભવતી મહિલાને પુરૂષ પોલીસકર્મી દ્વારા ઢોરમાર મારતા જે અંગે ભોગ બનેલ ઉક્ત મહિલાએ તા.૨૩/૭/૧૮ના રોજ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી બનાવની વિગત જણાવી હતી તેમ છતાં આ બાબતે કોઈ ફરિયાદ ન નોંધાતા અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ દ્વારા જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી. પીડિત મહિલાને થયેલ અન્યાયની ફરિયાદ દાખલ કરવા વિનંતી કરી છે. બનાવની વિગત અનુસાર, ભૂજ શહેર મધ્યે સંજોગનગર વિસ્તારમાં તા.૧૯/૭/૧૮ની રાત્રીના સુમારે મજિદ થેબાના મકાનમાં ત્રણ જેટલા પોલીસકર્મીઓ ઘુસી ગયા હતા અને મજિદ કોણ છે ? તેવું કહેતા હાજર મજિદે પોતેજ હોવાનું કહેતા ત્રણેય પોલીસકર્મીઓ તેની ઉપર બેરહેમીપૂર્વક તૂટી પડ્યા અને ઢોરમાર મારતા પતિને વધુ મારથી બચાવવા ગર્ભવતી પત્ની આશિયાના છોડાવવા વચ્ચે પડી હતી. જેને પણ આ પોલીસ કર્મીઓએ માર માર્યો હતો જ્યારે પોલીસ મારથી ઈજાગ્રસ્ત બનેલ ગર્ભવતી આશિયાના સારવાર અર્થે શહેરની સરકારી હોસ્પિટલમાં ગઈ હતી જ્યાં રાત્રીના બે વાગ્યાના સુમારે તેને રજા આપી દેવામાં આવી હતી, જેથી તેણી ચાલતા-ચાલતા ઘરે જઈ રહી હતી ત્યારે રસ્તામાં પોલીસ મોબાઈલ વાન મળી હતી. જેમાં પોલીસકર્મીઓ હતા. જેઓએ તેણીને અટકાવી પૂછ્યું કે, તેણી કોણ છે ? અને ક્યાં જાય છે ? જેથી તેણે પોતાનું નામ જણાવતા ઉક્ત પોલીસ કર્મીઓએ તેણીને પોલીસ સ્ટેશને જવાનું જણાવતા આશિયાના પોલીસ સ્ટેશનના દરવાજે ઊભી હતી જ્યાં પણ તેને પોલીસ દ્વારા ફરી માર મારવામાં આવ્યો હતો. આ અંગે આશિયાનાએ પોલીસ કર્મીએ મારેલ મૂંઢમાર અંગે તા.૨૩/૭/૧૮ના રોજ જિલ્લા પોલીસને લેખિત અરજી આપી માર મારનાર પોલીસકર્મીઓ સામે પગલાં ભરવા તથા ઘટના બાદ ગુમ થયેલ તેણીના પતિને શોધી આપવા વિનંતી કરી હતી. અરજીને ર૦ દિવસ થવા છતાં આ અંગે કોઈ ફરિયાદ દાખલ ન કરાતા આજરોજ અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ દ્વારા જિલ્લા પોલીસ વડાને આવેદન પાઠવી ગર્ભવતી આશિયાનાને મૂંઢમાર મારનાર પુરૂષ પોલીસકર્મીઓ સામે ફરિયાદ નોંધી તેણીને ન્યાય આપવા વિનંતી કરી છે તથા તેણીના ગુમ થયેલ પતિ માટે તેની ગુમ નોંધ લખી વહેલી તકે શોધી આપે તેવી વિનંતી કરી છે.