(એજન્સી) કોલકાતા, તા.૧૦
પ.બંગાળના કોંગ્રેસ કાર્યકર્તાએ નેટફ્લીક્સ, નવાઝુદ્દીન સિદ્દીકી અને સેક્રેડ ગેમ્સના નિર્માતા સામે ફરિયાદ નોંધાવી છે. એમણે જણાવ્યું છે કે ભારતના રાજકારણ ઉપર આધારિત પ્રથમ વેસ સીરિઝ નેટફ્લીક્સે બનાવી છે જેમાં રાજીવ ગાંધીનું અપમાન કરવામાં આવ્યું છે. ફરિયાદ દાખલ કરનાર કોંગ્રેસ કાર્યકર્તા રાજીવ સિંહા છે. એમણે ફરિયાદમાં જણાવ્યું છે કે, સીરિઝમાં અભિનય કરનાર અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ રાજીવ ગાંધી માટે અપશબ્દો કહ્યા છે. એમણે ગણેશ ગેઈરોન્ડેની ભૂમિકા ભજવી છે. ફરિયાદી પૂર્વ વડાપ્રધાન માટે અપમાનજનક શબ્દ છે. ગિરીશ પાર્ક પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં એમણે નિર્માતાઓ ઉપર આક્ષેપો મૂકયા છે કે રાજીવ ગાંધીના શાસનકાળને ખોટી રીતે ચીતરવામાં આવ્યું છે અને હકીકતોને ખોટી રીતે રજૂ કરાયું છે. નેટફ્લીક્સની આ સીરિઝ ગયા અઠવાડિયે જ પ્રસારિત થઈ છે જેમાં સેક્સની ભરપાર છે જે ભારતીય સંસ્કૃતિની વિરૂદ્ધ છે. નેટફ્લીક્સની સેક્રેડ ગેમ્સ વિક્રમ ચંદ્રાની નવલકથા ઉપર બનેલ વેબ સીરિઝ છે જેનું દિગ્દર્શન અનુરાગ કશ્યપ અને વિક્રમાદિત્ય મોટવાનેએ કર્યું છે. વેબ સીરિઝમાં કોંગ્રેસ શાસનના કટોકટી કાળ, બોફોર્સ કૌભાંડ, શાહ બાનો કેસની ટીકા કરવામાં આવી છે જે બન્ને ઘટનાઓ રાજીવ ગાંધીના શાસનકાળમાં બની હતી.