(એજન્સી) તા.૧૮
નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ તેમજ લોકસભાના સાંસદ ફારૂક અબ્દુલ્લાએ રવિવારે કહ્યું હતું કે, પાકિસ્તાનના આ કૃત્ય માટે કાશ્મીરના મુસ્લિમો જવાબદાર નથી, તે પણ આતંકવાદી હુમલાઓનો સામનો કરી રહ્યા છે. આજે સમગ્ર દેશમાં જેવી રીતે કાશ્મીરી બાળકોની હેરાનગતિ કરવામાં આવે છે, તે યોગ્ય નથી, જ્યાં સુધી કાશ્મીર સમસ્યાનો રાજકીય ઉકેલ નહીં લાવવામાં આવે, ત્યાં સુધી પુલવામા જેવા હુમલાઓ બંધ નહીં થાય. અબ્દુલ્લાએ કહ્યું હતું કે, આ હુમલામાં કાશ્મીરના સામાન્ય લોકોની કોઈ ભૂમિકા નથી. પુલવામા હુમલા પછી ગૃહમંત્રીના નેતૃત્ત્વમાં યોજાયેલી સર્વપક્ષીય બેઠકનો ઉલ્લેખ કરતા ફારૂક અબ્દુલ્લાએ કહ્યું હતું કે, “મેં બેઠકમાં કહ્યું હતું કે, આ ઘટનામાં અમારી કોઈ ભૂલ નથી, પરંતુ તમારી ભૂલ છે. કારણ કે, તમે અમારી આકાંક્ષાઓને પૂરી કરી નથી, તેમણે કહ્યું હતું કે, “તમે અમારા બાળકોને નિશાન બનાવી રહ્યા છો અને અમારી મુશ્કેલીઓ વધારી રહ્યા છો. અમે વિષમ પરિસ્થિતિમાં ફસાયેલા છીએ અને જે કાંઈ થયું છે. તેના માટે અમે જવાબદાર નથી. કારણ કે, આવા સંગઠનો સાથે અમારો કોઈ સંબંધ નથી.”