Ahmedabad

ઠાસરાના ખેડૂતને નુકસાની રકમ ચૂકવવા હાઈકોર્ટે બીમા કંપનીને આદેશ કર્યો

અમદાવાદ,તા.૩
પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના મામલે ગુજરાત હાઇકોર્ટનો મોટો ચૂકાદો આવ્યો છે. ઠાસરાના ખેડૂતે ખેતરમાં થયેલી નુકશાની મામલે વીમો નહીં ચૂકવાતા તેમણે હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઇકોર્ટનો વિમા કંપનીને વીમાની રકમ તાત્કાલિક ચૂકવવાનો આદેશ કરાયો છે. ૪ અઠવાડિયામાં ખેડૂતને પાકવિમાની રકમ ચૂકવવાના આદેશથી ઘણા ખેડૂતોને ન મળેલી પાકવીમા રકમ હવે મળવાની મોટી આશા બંધાઈ છે. ખેડૂતો પાસેથી પ્રીમિયમના પૈસા લીધા બાદ પણ ઇન્શ્યોરન્સ કંપનીઓ પાકવીમાનું વળતર ચુકવવામાં ઠાગાઠૈયા કરતી હોવાનો અરજદારે આક્ષેપ કર્યો હતો. ગુજરાતમાં ઘણા ખેડૂતોને પાકવીમો મળ્યો નથી. સરકાર પણ આ બાબતે હાથ ખંખેરી રહી છે. ગત વર્ષે બનાસકાંઠાના પૂરમાં ધોવાઈ ગયેલા પાકના ખેડૂતોને પૈસા મળી રહ્યાં નથી. પાકવીમાની સૌથી મોટી સમસ્યા ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છે. જે ખેડૂતો પાકવીમાની રાહ જોઈ રહ્યાં છે. આજે હાઈકોર્ટે ચૂકાદો આપી ખેડૂતો માટે એક આશા જગાવી છે. ગુજરાતમાં પાકવીમો ન મળવા બાબતે અનેક ખેડૂતો બુમરાણ પાડી રહ્યાં છે. ઘણાં રાજ્યોમાં ખેડૂતો કૃષિધિરાણ લઈને જ ખેતી કરે છે. આ યોજનાને ખેડૂતોને દેવાદાર બનાવતી સ્કીમ તરીકે પણ ગણાવાઈ છે. છેલ્લાં બે વર્ષથી કૃષિધિરાણ સાથે સરકારે પાકવીમો એ ફરજિયાત કર્યો છે. દેશમાં ૧૪ કરોડ ખેડૂતો કૃષિધિરાણનો લાભ લે છે. ખેડૂતોને કુદરતી આપત્તિનાં જોખમ સામે રાહત આપતી યોજના કૃષિધિરાણ લેનાર ખેડૂતો માટે ફરજિયાત છે. કૃષિધિરાણ લો છો તો પાકવીમો પણ ફરજિયાત લેવો પડશે. વર્ષ ૨૦૧૬માં ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ લોન્ચ થયેલી પ્રધાનમંત્રી પાકવીમા યોજના ૨૬ ટકા સુધી પહોંચી છે. સરકાર આ વર્ષે ૪૦ ટકા એટલે કે ૭૭૬ લાખ હેક્ટર જમીનનો પાકવીમો ખેડૂતો ઉતારે તે માટે પ્રયત્નો કરી રહી છે. સરકાર વર્ષ ૨૦૧૯ સુધી આ યોજનાને ૫૦ ટકા સુધી લઈ જવાનો લક્ષ્યાંક ધરાવે છે.