તમિળનાડુમાં ‘ફાસીવાદી ભાજપ સરકાર’ના સૂત્રોચ્ચારો બદલ વિદ્યાર્થિનીની ધરપકડ

(એજન્સી) તુતીકોરિન, તા. ૪
તમિળનાડુના તુતીકોરિન એરપોર્ટ પર ભાજપ વિરોધી સૂત્રોચ્ચારો કરવા બદલ કેનેડાની રિસર્ચ વિદ્યાર્થિનીની ધરપકડ કરવામાં આવી છે. વિદ્યાર્થિની સામે આઇપીસીની કલમ ૨૦૯,, ૫૦૫ અને તમિળનાડુ શહેર પોલીસ કાયદાની કલમ ૭૫(૧) હેઠળ એફઆઇઆર નોંધવામાં આવી છે. ફરિયાદ કરનારે આ રિસર્ચ સ્કોલરની વિદ્યાર્થિની આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલી હોવાનો આરોપ મુક્યો છે. કેનેડાની મોન્ટ્રીયલ યુનિવર્સિટીની ગણિત અને ફિઝિક્સની ૨૮ વર્ષીય વિદ્યાર્થિની સોફિયા લોઇસ અને તમિળનાડુ ભાજપ પ્રમુખ તમિલીસાઇ સુંદરરાજન એક જ ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યા હતા.સોફિયાની ધરપકડ કરાઇ તે પહેલાના એક ટિ્‌વટમાં સોફિયાએ પૂછ્યું હતું કે હું સુંદરરાજન સાથે ફ્લાઇટમાં યાત્રા કરી રહી છું અને ખરેખર મોદી-ભાજપ-આરએસએસની ફાસીવાદી સરકાર ઉથલાવવાના સૂત્રોચ્ચાર કરવા માગું છું. શું મને ફ્લાઇટમાંથી ધકકા મારીને ઉતારી દેવામાં આવશે ? આ સ્પ્ષ્ટ થયું નથી કે આ ઘટના વિમાનમાંથી ઉતરતી વખતે કે બેગે લેતી વખતે સર્જાઇ હતી કે કેમ ? પરંતુ સોફિયાએ સુંદરરાજન સામે ભાજપ વિરોધી સૂત્રોચ્ચારો કર્યા હતા. પોલીસે જણાવ્યું કે સોફિયા દ્વારા ભાજપ-આરએસએસ અને મોદી સરકાર વિરોધી સૂત્રોચ્ચારો કરવાથી ભારે નારાજ થયેલા સુંદરરાજને સોફિયા અને ત્યાર પછી એરપોર્ટ પોલીસ સાથે ઉગ્ર દલીલો કરી હતી. એરપોર્ટ પોલીસ પરિસ્થિતિ શાંત પાડવાનો પ્રયાસ કરી રહી હતી. પત્રકારો સાથેની વાતચીતમાં સુંદરરાજને સોફિયા વિશે જણાવ્યું કે એ વિદ્યાર્થિની કોઇ સામાન્ય વ્યક્તિ જેવી લાગતી નથી. તેણે મારી સાથે જેવો વ્યવહાર કર્યો, તેના પરથી એવું લાગે છે કે તે કોઇ આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલી હોઇ શકે છે. તેના કારણે હું કોઇ ચિંતિત કે ભયભીત થઇ નથી. જાહેર સ્થળે લોકો સૂત્રોચ્ચાર કરી કેવી રીતે કરી શકે છે અને વિમાનમાં કોઇને પણ મોટેથી બોલવાનો અધિકાર નથી.

‘હું શા માટે માફી માગું ?’ તમિળનાડુ ભાજપ પ્રમુખે વિદ્યાર્થિનીની ધરપકડને વાજબી ઠેરવી

(એજન્સી) ચેન્નઇ, તા. ૪
ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વિપક્ષની સાથે યુઝર્સ પણ તમિળનાડુના ભાજપ પ્રમુખ તમિલસાઇ સુંદરરાજન પાસે માફીની માગણી કરી રહ્યા છે. સુંદરરાજને કહ્યું કે વિદ્યાર્થિની સોફિયા લોઇસ કોઇ સામાન્ય યાત્રી નથી.મને શંકા છે કે આ ઘટના પાછળ ઉગ્રવાદી સંગઠનોનો હાથ છે. તેને યોજના બનાવીને અંજામ આપવામાં આવ્યું છે. તેમણે સોફિયાની પોલીસ દ્વારા કરવામાં આવેલી ધરપકડને વાજબી ઠરાવી છે અને કહ્યું કે હું માફી માગીશ નહીં. તેમણે એવો પણ પ્રશ્ન કર્યો કે હું શા માટે માફી માગું ? સોફિયા અને સુંદરરાજન વચ્ચે થયેલી ઉગ્ર દલીલોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે અને ેતેના સંદર્ભમાં ઘણા ટિ્‌વટ પણ કરવામાં આવી રહ્યા છે. સુંદરરાજને સોફિયાને કહ્યું હતું કે તમે આવી રીતે સૂત્રોચ્ચારો કરી શકતા નથી આ કોઇ પબ્લિક ફોરમ નથી.ે

સોફિયા લોઇસને કમલ, સ્ટાલિનનું સમર્થન મળ્યું : ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર બદલ પકડાયેલી વિદ્યાર્થિની વિશે તમારે જાણવાની જરૂર

(એજન્સી) ચેન્નઇ, તા. ૪
વિમાનમાં ભાજપ સરકારને ફાસીવાદી ગણાવવા બદલ સોશિયલ મીડિયા પર ટોપ ટ્રેન્ડ બનેલી સોફિયા લોઇસ ઘણા વર્ષોથી સરકારની મૌખિક ટીકાકાર રહી છે. સોફિયાને અભિનેતામાંથી રાજકારણી બનેલા કમલ હાસન અને ડીએમકેના વડા એમકે સ્ટાલિનનું પણ સમર્થન મળ્યું છે. કમલ હાસને જણાવ્યું કે રાજકારણીઓ જાહેરમાં ટીકા કરતા હોવાથી તેમની ધરપકડ થવી જોઇએ. જ્યારે સ્ટાલિને જણાવ્યું કે હું પણ વિદ્યાર્થિનીનો સૂત્રોચ્ચાર કરવા માગું છું. જો સૂત્રોચ્ચારો કરવાથી જેલ થશે તો કેટલા લોકોને જેલમાં નાખશો ? જો તમે સોફિયાની ટિ્‌વટર ફાઇલ જોશો તો, તમને જણાશે કે તુતીકોરિનમાં સ્ટરલાઇટ વિરોધના સંદર્ભમાં તમિળનાડુ સરકારની નિષ્ક્રિયતાની સોફિયાએ ભારે ટીકા કરી હતી. કેન્દ્ર દ્વારા ઘણી પરિસ્થિતિ હાથ ધરવા અંગે પણ સોફિયાએ ચિંતા વ્યક્ત કરી હતી. સોફિયાએ દલિતોના અધિકારો અને મહિલાઓની સુરક્ષા માટે પણ અવાજ ઉઠાવ્યો હતો. સોફિયાએ વિદ્યાર્થી નેતા અને કાર્યકર વલારમાથીને પણ ટેકો આપ્યો હતો. સાદા વસ્ત્રોમાં પોલીસ કર્મચારી દ્વારા છેડતી કરાઇ હોવાનો વલારમાથીએ આક્ષેપ કર્યો હતો પરંતુ વલારમાથીને નક્સલવાદીઓ પ્રત્યે સહાનુભૂતિ ધરાવનાર ગણાવવામાં આવ્યું હતું. સોફિયાએ સ્ટરલાઇટ કોપર પ્લાન્ટ સામેની ઝુંબેશમાં પણ ભાગ લીધો હતો.

શું તમિલનાડુ પોલીસ દ્વારા સૂત્ર ઉચ્ચારવા બદલ લેખિકા લોઈસ સોફિયાની કરાયેલ ધરપકડ વ્યાજબી છે ? આ બાબતે કાયદો શું કહે છે ?

(એજન્સી) તા.૪
તમિલનાડુ પોલીસે લોઈસ સોફિયાની ધરપકડ ઈપીકોની કલમ ર૯૦, પ૦પ અને તમિલનાડુ સિટી પોલીસ એક્ટની કલમ ૭પ(૧) હેઠળ કરી છે. કલમ ર૯૦નો ઉપયોગ જાહેર સુલેહ-શાંતિનું ભંગ કરવા માટે કરાય છે. આ કાયદામાં જોગવાઈ છે કે, જો કોઈ વ્યક્તિ જાહેર શાંતિનો ભંગ કરવા કોઈ કૃત્ય કરે જે ઈપીકોની અન્ય કલમ હેઠળ આવરી લેવામાં નહીં આવતો હોય તો એને આ કલમ હેઠળ દોષી ઠરાવી રપ૦ રૂપિયા દંડ ફટકારવામાં આવશે. આ કલમ હેઠળ ધરપકડની જોગવાઈ જ નથી. કલમ પ૦પ હેઠળ જો કોઈ વ્યક્તિ કોઈ એ પ્રકારનું નિવેદન આપે જેનાથી સરકારી અધિકારી પોતાની ફરજ બજાવી ન શકે અથવા સરકાર સામે કોઈ વ્યક્તિને ગુનો કરવા ઉશ્કેરે અથવા એક કોમને બીજી કોમ સામે ગુનો કરવા અથવા હિંસા કરવા પ્રેરણા આપે, એ વ્યક્તિને આ કલમ હેઠળ દંડ અને સજાની જોગવાઈ છે. ઉશ્કેરણીજનક ભાષણો સમય આ કલમ હેઠળ કેસ નોંધાય છે. તમિલનાડુ સિટી પોલીસ એક્ટની કલમ ૭પ(૧)માં જોગવાઈ છે કે, જો કોઈ પોલીસ અધિકારી કોઈ નાગરિકને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછે જે એમની ફરજના ભાગમાં આવતો હોય તો તે વ્યક્તિએ પ્રશ્નનો જવાબ વિનમ્રતાથી આપવાનો છે. જે કોઈ વ્યક્તિ જાહેર શાંતિનો ભંગ કરવા પ્રયાસ કરશે તો એની સામે આ કલમ હેઠળ પગલાં લેવાશે.

તમિલનાડુ : વિમાનમાં ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર બદલ ધરપકડ કરાયેલી વિદ્યાર્થિનીના કોર્ટે જામીન મંજૂર કર્યા

(એજન્સી) તુતીકોરિન, તા. ૪
વિમાનમાં ભાજપ સરકાર સામે સૂત્રોચ્ચારો કરવા બદલ એક દિવસ પહેલાં ધરપકડ કરાયેલી રિસર્ચ સ્કોલર વિદ્યાર્થિની સોફિયા લોઇસના જામીન તમિલનાડુની એક કોર્ટે મંગળવારે મંજૂર કર્યા છે. તમિલનાડુ ભાજપના પ્રમુખ તમિલસાઇ સુંદરરાજન દ્વારા કરવામાં આવેલી ફરિયાદને આધારે ૨૮ વર્ષીય વિદ્યાર્થિની સોફિયા લોઇસની ધરપકડ કરવામાં આવી હતી. સોફિયા અને સુંદરરાજન એક જ ફ્લાઇટમાં યાત્રા કરી રહ્યા હતા. તમિલનાડુ પોલીસે વિદ્યાર્થિની સોફિયા સામે આઇપીસીની કલમ ૨૦૯, ૫૦૫ અને તમિલનાડુ શહેર પોલીસ કાયદાની કલમ ૭૫(૧) હેઠળના આરોપો મૂક્યા હતા. સોફિયાને સોમવારે ૧૫ દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવી હતી. સોફિયા વતી ઉપસ્થિત થયેલા વકીલ ઇ.અતિસ્યકુમારે જણાવ્યું કે, સોફિયાની ધરપકડ કરવામાં આવી છે અને ૧૫ દિવસ માટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાઇ છે. ત્યાર પછી સોફિયાએ પેટમાં દુખાવાની ફરિયાદ કરતા તેને હોસ્પિટલે લઇ જવામાં આવ્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks