ફટાકડાના વેચાણમાં પોલંપોલ : વેપારીઓ ટેક્ષ અને નફો લેવા છતાં પાકું બિલ આપતા નથી

અમદાવાદ, તા.૧૭
દિવાળીના તહેવારોમાં ફટાકડાના ઉત્પાદકો અને વેપારીઓ ગ્રાહકોને ખુલ્લેઆમ છેતરી બેફામ નફાખોરી આચરે છે. ઉત્પાદકથી છુટક વેચાણ દ્વારા ફટાકડા ખરીદનાર ગ્રાહકોને ૩૦૦ ટકા વધારે ચૂકવવા પડે છે. ફટાકડાના પેકેટ-રેપરઉપર ઉત્પાદકો ગ્રાહકો ગેરમાર્ગે દોરાય તેવા બોગસ અને બેફામ ઊંચા ભાવની એમઆરપી પ્રિન્ટ કરે છે. ફટાકડાના પેકેટો ઉપર ૧૦ ગણી કિંમત લખી લૂંટ ચલાવવામાં આવે છે. વેપારીઓ પડતર કિંમતથી બમણા ભાવે વેચાણ કરે છે. ગુજરાતમાં ર૦૦ કરોડથી વધુના ફટાકડાનું વેચાણ થવાનો અંદાજ છે. ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે ગુજરાત રાજ્યના જીએસટી કમિશનર સમક્ષ લેખિત ફરિયાદ કરી રજૂઆત કરી છે કે જીએસટીના કાયદા મુજબ રૂા.ર૦૦થી વધુના વેચાણ સામે ગ્રાહકોને ફરજિયાત બિલ આપવાની જોગવાઈ છે. ગ્રાહકનો હક અને વેપારીની જવાબદારી છે. ગુજરાતનો એકપણ ફટાકડાનો વેપારી ગ્રાહકોને અત્યારસુધી વેટના ટીન નંબરવાળું પાકુંબીલ આપતો નહતો અને હવે તા. ૧લી જુલાઈ જીએસટીના અમલ બાદ ગ્રાહકોને ર૮ ટકા જીએસટીના ટેક્ષનું બિલ આપવામાં આવતું નથી. જીએસટીની જોગવાઈઓ મુજબ ૧૪ ટકા સેન્ટ્રલ જીએસટી અને ૧૪ ટકા સ્ટેટ જીએસટીની જોગવાઈ છે. વેપારીઓ ગ્રાહકો પાસે ર૮ ટકાનો જીએસટી અને ૧૦૦ ટકા પ્રોફિટ વસૂલ કર્યા બાદ પણ પાકુ બિલ આપતા નથી. આથી ગ્રાહકોમાં જાગૃતિ આવે, સરકારને આવક થાય તેમજ ટેક્ષચોરી અને આવકવેરાની ચોરીનું દુષણ નાબૂદ કરવાના ઉચ્ચતમ ઉમદા હેતુથી જીએસટીનું બિલ લાવનાર ગ્રાહકને રૂા.૧૧૧થી રૂા.પ૦૧ સુધીના ઈનામ આપવાની સ્કીમ જાહેર કરી છે. જાગૃત ગ્રાહકોને ઈનામની સાથે, પ્રશસ્તિપત્ર અને ફોટાવાળા આજીવન સભ્યનું આઈકાર્ડ આપી બહુમાન કરાશે.
મુકેશ પરીખે વધુમાં જણાવેલું કે ગ્રાહક બિલ માંગે તો પાકા બિલના વિકલ્પે અસ્ટમપસ્ટમ લખી ભાવતાલ લખ્યા વગર કાચી ચિઠ્ઠી પધરાવવામાં આવે છે. આથી હિસાબી કરચોરીના મુદ્દાની સાથે-સાથે ગ્રાહકોને હલકી કક્ષાના-ઉતરતી ગુણવત્તાના ફટાકડા સામે ગ્રાહકોની દાદ-ફરિયાદ સાંભળવામાં આવતી નથી. અમદાવાદ શહેરમાં જ દિલ્હી દરવાજા, રાયપુર દરવાજા, કાંકરિયા, સેટેલાઈટ, આંબાવાડી વગેરે વિસ્તારોમાં અલગ-અલગ ભાવોથી વેપારીઓ વેચાણ કરતા હોય છે. સમાન પ્રોડક્ટ, સમાન ભાવના બદલે મોં માગ્યા, ઊંચા મનસ્વી ભાવ પડાવવામાં આવે છે.
મુકેશ પરીખે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકારનો ગ્રાહક બાબતોનો વિભાગ ગ્રાહકોના અધિકારનું રક્ષણ કરે, વેપારીઓ ગ્રાહકોને જીએસટીના નંબરવાળું પાકું બિલ અને ગેરંટી આપે તેવો ગ્રાહકલક્ષી સરકારી પરિપત્ર બહાર પાડે. ફટાકડાની તમામ પ્રકારની વિવિધ ર૦૦ આઈટમોનું એસોસિએશન દ્વારા ભાવપત્રક પ્રસિદ્ધ કરવા ગ્રાહક સુરક્ષાની માગણી છે. ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ પરીખે વધુમાં ઉમેર્યું હતું કે ચાઈનીઝ ફટાકડા સહિત તમામ ચાઈનીઝ પ્રોડક્ટનો ગ્રાહકો બહિષ્કાર પોકારે. ગ્રાહકો દેશપ્રેમ માટે અને દેશના હિત માટે આર્થિક નુકસાની સહન કરીને પણ ચાઈનીઝ પ્રોડક્ટની ખરીદી સંપૂર્ણ બંધ કરે તે માટે ગ્રાહક જાગૃતિ અભિયાન વ્યાપક છે. ચાઈનીઝ ફટાકડાના વેચાણ અંગે ચોક્કસ પુરાવા સાથે લેખિત માહિતી આપનાર જાગૃત ગ્રાહકોને સંસ્થા તરફથી પપ૧ રૂપિયાનું ઈનામ, પ્રશસ્તિપત્ર અને ફોટાવાળું આઈકાર્ડ આપવામાં આવશે. વધુમાં વધુ ગ્રાહકો સ્કીમનો લાભ લે તે માટે અનુરોધ કરવામાં આવ્યો છે. સંસ્થાની ઓફિસર ૩૧૮, સ્પેક્ટ્રમ સેન્ટર, જૂની રિલીફ સિનેમા પાસે, અમદાવાદ-૧ પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.
આઈટમનું નામ એમઆરપી વેચાણકિંમત
જમીન ચકરડી પ૭૬ ૭૦
ફટાકડા (ર૦૦૦ નંગનું પેકિંગ) ર૦૦૦ ૪૦૦
માટલા કોઠી ર૪૦૦ ર૦૦
સ્ટાન્ડર્ડ કોઠી ૩પપ૦ ૩૦૦
કોઠી નાની ૧ર૧૭ ૧૩૦
તાજમહલ ટેટા(બાંધો) ૧ર૦૦ ૪૦૦
પાંચ નંગ પંચકોઠી ૧૩પ૦ ૧પ૦
સુતળી બોમ્બ (૧૦ નંગ) ૭૦૦ ૧૦૦
તરામંડળ ૧૦૦ ૪૦
રોકેટ ૩પ૦ ૧૦૦
પેન્સિલ ૧૭પ ૭૦
ચકરડી ૩ર૦ ૭૦
દોરી ૬પ ૩૦

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks