ફી વધારાના વિરોધમાં વાલીઓએ મૌન રેલી કાઢી ગાંધીગીરી કરી

અમદાવાદ,તા. ૨
શહેરના નિકોલ-નરોડા વિસ્તારમાં આવેલી પી.વસાણી ઇન્ટરનેશનલ, ડિવાઇન ઇન્ટરનેશનલ અને દેવસ્ય ઇન્ટરનેશનલ શાળાઓના તોતીંગ ફી વધારા સામે વાલીઓએ આજે કંઇક અનોખી રીતે વિરોધ કર્યો હતો. ગાંધીજયંતિના દિવસે જ આજે વાલીઓએ ગાંધીગીરી દર્શાવી શાળા સંચાલકોના આત્માને જગાડવનો પ્રયાસ કર્યો હતો. ત્રણેય સ્કૂલોના વાલીઓએ ખૂબ મોટી સંખ્યામાં એકત્ર થઇ હાથમાં વિરોધ સાથેના અને માર્મિક સંદેશા સાથેના બેનરો-પ્લેકાર્ડ સાથે ગાંધીચિંધ્યા માર્ગે વિશાળ રેલી યોજી હતી, જેણે સૌકોઇનું ધ્યાન ખેંચ્યું હતું. સરકાર દ્વારા ફી નિર્ધારણ કાયદો અમલી બનાવાયો હોવાછતાં કેટલીક શાળાઓ દ્વારા કાયદાની પણ ઐસીતૈસી કરી મનસ્વી ફી વધારો વસૂલાઇ રહ્યો છે, તેની સામે વાલીઓએ ઉગ્ર રોષ પણ વ્યકત કર્યો હતો. નિકોલ-નરોડાની પી.વસાણી ઇન્ટરનેશનલ, ડિવાઇન ઇન્ટરનેશનલ અને દેવસ્ય ઇન્ટરનેશનલ શાળાઓ દ્વારા જૂની ટર્મ પ્રમાણે જ રૂ.૫૫ હજાર સુધીની ફી વસૂલવાનું શરૂ કરતાં નરોડા-નિકોલના પેરેન્ટ્‌સ ખૂબ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. ફી નિર્ધારણ કાયદો સરકાર દ્વારા અમલમાં લાવવા છતાં કેટલીક શાળાઓએ હાઇકોર્ટમાં રિટ અરજી કરતાં આ સમગ્ર મામલે કોઇ નિવેડો નહી આવતાં તેની છટકબારીનો લાભ લઇ કેટલીક શાળાઓ દ્વારા તોતીંગ ફી વધારો વસૂલાતાં વાલીઓએ રોષ અને વિરોધ વ્યકત કર્યો હતો. જો કે, આજે ગાંધી જયંતિ હોઇ વાલીઓએ ગાંધીગીરી મારફતે અનોખી રીતે વિરોધ વ્યકત કરવાનું નક્કી કર્યું હતું. વાલીઓએ આજે ગાંધી ચિંધ્યા માર્ગે મૌન રહી વિરોધદર્શક પ્લે કાર્ડ અને વિશાળ બેનરો સાથે શાળા સંચાલકોના અંતરાત્માને ઝંઝોળવાનો પ્રયાસ કરતી અનોખી રેલી કાઢી હતી. નિકોલના શુકન ચાર રસ્તાથી મનોહર વીલા સુધી વાલીઓએ ગાંધી ચિંધ્યા માર્ગે વિશાળ રેલી યોજતાં સૌકોઇનું ધ્યાન ખેંચાયું હતું. વાલીઓની ગાંધીગીરીના પ્રત્યાઘાત છેક ગાંધીનગર સુધી પડયા હતા. ખુદ રાજયના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને આ સમગ્ર મામલે હૈયાધારણ આપવી પડી હતી કે, કોઇને અન્યાય નહી થાય અને થવા નહી દેવાય. કોર્ટના ચુકાદાની સરકાર રાહ જોઇ રહી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks