કેન્સર પીડિતની વ્હારે અનેક સેવાના ભેખધારી આવ્યા
અમદાવાદ, તા.રર
આપ સૌ જાણો છો કે ‘લોકહિત પ્રકાશન સાર્વજનિક ટ્રસ્ટ’ કે જે થકી ‘ગુજરાત ટુડે’ કાર્યરત છે. હંમેશા જરૂરતમંદોની વ્હારે આવ્યું છે. છેલ્લા બે દાયકાથી શિક્ષણ અને સ્વાસ્થ્યના ક્ષેત્રે અનેક જરૂરતમંદોને ટ્રસ્ટે ભરપૂર મદદ કરી છે. ખાસ કરીને કિડની અને વાલ્વના ૧૯પ જેટલા ઓપરેશન નાત-જાતના ભેદભાવ વગર કરાવી દઈ માનવતાની મહેક પ્રસરાવી છે. આ અંગે ગુજરાત સરકારે પણ લોકોની મદદ શરૂ કરી છે એટલે ટ્રસ્ટે સ્વાસ્થ્ય માટે કામ ઓછું કર્યું પણ ટ્રસ્ટની કામગીરીથી સમગ્ર સમાજ અને રાજ્યના લોકો પણ પરિચિત છે. હાલ પણ ટ્રસ્ટ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે અનેક જરૂરતમંદોને નાત-જાતના ભેદભાવ વગર લાખોની સહાય કરી રહ્યું છે.
જીવનમાં અનેક વખતે અણધારી આફતો અને બીમારીઓ આવી જતી હોય છે. ત્યારે દર્દમંદોની મદદે સેવાના ભેખધારી અનેક માણસો આવીને ઊભા રહે છે અને મદદનો ધોધ વહાવી જરૂરતમંદને એકલા હોવાનો અહેસાસ થવા દેતા નથી. અમદાવાદ કાદરી (સૈયદ) સલમાન નઝીમુદ્દીન ૩૪ વર્ષની નાની ઉંમરે જ કેન્સર એટલે કે હોડગ્કિન લિમ્ફોમાનો ભોગ બન્યા છે. પિતા નિવૃત્ત છે અને સલમાન પોતે જ ઘરના એક માત્ર કમાનાર (બ્રેડ વીનર) વ્યક્તિ હતા. સલમાન આ બીમારી સામે છેલ્લા ચાર વર્ષથી લડી રહ્યા છે. તેમની આ બીમારીમાં ઈલાજનો ખર્ચ રૂપિયા ૩૦ લાખ સુધી જાય એમ નિષ્ણાંત ડોક્ટર તરફથી લેખિત મળ્યું છે ત્યારે મદદના સ્ત્રોત પૈકી હજુ માત્ર પ લાખ જેટલી જ મદદ મળી છે જે થકી આ રોગના ઈલાજની સારવારનું માત્ર એક પગથિયું સર થયું છે જ્યારે હજુ પણ પથી ૬ પગથિયામાં ઈલાજ કરવો પડશે, એક ઈલાજમાં એકવારનું ખર્ચ પથી ૬ લાખ છે જ્યારે આવી સાયક્લિંગ પાંચથી ૬ વાર કરવી પડશે. તે જોતાં સલમાનને ખૂબ જ મદદની જરૂર છે. શિક્ષણ ક્ષેત્રે સમાજને અગ્રેસર કરવા જરૂરતમંદ વિદ્યાર્થીઓને સતત સહાય કરતું લોકહિત પ્રકાશન સાર્વજનિક ટ્રસ્ટ કે જે થકી ‘ગુજરાત ટુડે’ દૈનિક પણ ચલાવવામાં આવે છે. ટ્રસ્ટે સલમાનની મદદ માટે સમગ્ર સમાજ માટે મદદની ઉમ્મીદ રાખી છે. મદદ પહોંચાડનાર મદદ ‘લોકહિત પ્રકાશન સાર્વજનિક ટ્રસ્ટ’ શાહ-એ-આલમ ‘ગુજરાત ટુડે’ની ઓફિસે રોકડ અથવા ચેકથી ર૦ માર્ચ સુધી પહોંચાડી શકો છો. ‘ગુજરાત ટુડે’ની અપીલને પગલે અનેક દાતાઓએ સહાયની સરવાણી વહાવી છે. જે જરૂરતમંદને મદદરૂપે થશે આ સહાય અને સખીદાતાઓની વિગતો હવે પછી પ્રગટ કરીશું પણ હજુ વધુ સહાયની આવશ્યકતા હોઈ સેવાના ભેખધારી દાતાઓ સહાય માટે વધુને વધુ સંખ્યામાં આગળ આવે તો ‘જરૂરતમંદે’ જોયેલા અનેક સ્વપ્ન પૂરાં કરવાં તે ફરી ઊભો થશે.