યુપીએના રાષ્ટ્રપતિ પદનાં ઉમેદવાર મીરાંકુમારે ગાંધી આશ્રમની મુલાકાત લઈ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો
(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૩૦
રાષ્ટ્રપતિની પદની ચૂંટણીમાં વિપક્ષના ઉમેદવાર મીરાકુમારે અમદાવાદના સાબરમતી આશ્રમની મુલાકાત લઈને ચૂંટણીનો પ્રચાર શરૂ કર્યો હતો. ત્યારે ચૂંટણી અંગે મીરાકુમારે જણાવ્યું હતું કે દેશના સર્વોચ્ચ પદ માટેની આ લડાઈ ધર્મજાતિની ઉપર હોવી જોઈએ. ઉમેદવાર તરીકે શૈક્ષણિક લાયકાત, યોગ્યતા, અનુભવ માપદંડ ગણાવા જોઈએ. રાષ્ટ્રપદની ચૂંટણી બે વિચારધારા માટેની લડાઈ છે. એક વિચારધારા કે જે સૌને એકત્રિત કરે છે. જૂજ લોકોની ચિંતા કરે છે. જ્યારે હું એ વિચારધારાનું પ્રતિનિધિત્વ કરૂં છું. જેમાં સૌનો સમાવેશ હોય, સહિષ્ણુતા હોય, પ્રેમભાવ હોય અને સૌનો પ્રેમ, આદર સન્માન હોય. યુનાઈટેડ પ્રોગ્રેસીવ એલાયન્સ (યુપીએ)ના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર મીરાકુમારે આજે સવારે ઐતિહાસીક સ્થળ સાબરમતી આશ્રમ ખાતે મહાત્મા ગાંધીને નમન-વંદન કરીને રાષ્ટ્રપતિ પદની ચૂંટણી પ્રચારનો શુભારંભ કર્યો હતો. ત્યારબાદ રાજીવ ગાંધી ભવન ખાતે રાજીવ ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલી કરી હતી. ત્યારબાદ કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો, પદાધિકારીઓ ધારાસભ્યો સાથે રાજીવ ગાંધી ભવન ખાતે બેઠક યોજી હતી. યુપીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર મીરાકુમારે આજે પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે ગુજરાતના પ્રજાજનોને પ્રણામ કરૂં છું મારી હંમેશા શુભેચ્છા છે કે, ગુજરાત રાજ્ય પ્રગતિ કરતું રહે આ રાજ્યના પીડિતો, વંચિતો, ગરીબો, મહિલાઓ સહિત સર્વ સમુદાય અને ધર્મના લોકો સુખી, સંપન્ન રહે તે માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરૂં છું. રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી પ્રક્રિયા ચાલુ છે અને દેશની વિપક્ષની મુખ્ય ૧૭ પક્ષોએ સર્વસંમતિથી મને દેશના સર્વોચ્ચ પદ માટે ઉમેદવાર બનાવી છે. લોકશાહીના રક્ષણ માટે વિપક્ષોની એકતા જરૂરી છે અને આ એકતા વિચારધારા આધારિત છે. જે ગાંધીજીના સિદ્ધાંતમાંથી આપણે સૌ શીખ્યા છીએ. સર્વોચ્ચ પદ માટેના ચૂંટણી ફોર્મ ભર્યા બાદ પવિત્ર એવા ગાંધી આશ્રમની મુલાકાત લઈને મહાત્મા ગાંધીની પ્રતિમાને નમન કરવાથી શક્તિગ્રહણ થઈ છે. ગાંધીજીના વિચારથી દેશ સહિત સમગ્ર વિશ્વને પ્રેરણા સાંપડી છે અને આજ વિચારધારાને મજબૂતાઈથી આગળ ધપાવવાની છે. આ વિચારધારા પારદર્શિતા, અભિવ્યક્તિ, સ્વતંત્રતા, સામાજિક ન્યાય, પ્રેસની આઝાદી, ગરીબોનો અંત અને સામાજિક મૂલ્યોને જાળવી રાખે છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે બાળપણમાં મને સરદાર વલ્લભભાઈ પટેલના પણ આશીર્વાદ સાંપડ્યા હતા. તેમને પણ નમન કરૂં છું. રાષ્ટ્રપતિ પદ માટે નામાંકનભર્યું એ અદ્વિતીય અવસર છે અને આ માટે દેશના તમામ સાંસદ અને ધારાસભ્ય કે જેઓ મતદાતાઓ છે તેઓને એક પત્ર લખીને અનુરોધ કર્યો છે કે આપ અંતરાત્માના અવાજને સંભાળશો. એવી શ્રદ્ધા ધરાવું છું. મીરાકુમારે પત્રકાર પરિષદ બાદ શાહીબાગ ખાતે આવેલ સરદાર પટેલ સ્મારક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી. ગઈકાલે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર મીરાકુમારના એરપોર્ટ ખાતે આગમન સમયે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકી, એ.આઈ.સી.સીના મહામંત્રી અને ગુજરાતના પ્રભારી અશોક ગેહલોત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા સહિતના આગેવાનોએ ભાવભીનું સ્વાગત કર્યું હતું.