(એજન્સી) કોલકાતા, તા.૧ર
ભારતીય સેન્સર બોર્ડ પોતાની નવી નીચલી પાયરીએ ડૂબ્યો છે. એમણે એક ડોક્યુમેન્ટરીમાં નોબેલ પુરસ્કાર વિજેતા દ્વારા ઉચ્ચારાયેલ શબ્દો ગાય, ગુજરાતને ફિલ્મમાંથી દૂર કરવા અથવા એને મ્યુટ કરવા ફિલ્મ નિર્માતાને મૌખિક આદેશો આપ્યા છે. બોર્ડે ડાયરેકટર સુમન ઘોષને ચાર શબ્દો ગુજરાત, ગાય, ભારતનો હિન્દુત્વ વિચારધારા અને હિન્દુ ભારત શબ્દોને દૂર કરવા જણાવ્યું છે. ડાયરેકટરે ધ આર્ગુમેન્ટ ટીવ ઈન્ડિયન નામની ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી છે. ઘોષે જણાવ્યું કે બોર્ડના અધિકારીઓએ ત્રણ કલાક સુધી ફિલ્મના પ્રત્યેક સીનનો અભ્યાસ કર્યો હતો એ પછી મને કહેવાયું કે તમારે આ શબ્દો દૂર કરવા પડશે તો જ અમે તમને યુએ સર્ટીફિકેટ આપીશું. ઘોષે ઈન્કાર કરતાં જણાવ્યું છે. આ શબ્દો ફિલ્મમાંથી દૂર કરવાનો અર્થ ફિલ્મની આત્માને દૂર કરવાનો છે. આ ફિલ્મમાં સેન અને એમના વિદ્યાર્થી કૌશિક બાસુનો વાર્તાલાપ બતાવાયું છે. ઘોષે કહ્યું કે હું બોર્ડના લેખિત જવાબની રાહ જોઈ રહ્યો છું કે એ ફિલ્મને રિવ્યુ કમિટી સમક્ષ મૂકે છે કે કેમ ? કોઈપણ પરિસ્થિતિમાં મારો જવાબ આ જ છે. હું ફિલ્મમાંથી આ શબ્દો દૂર કરીશ નહીં. બોર્ડના અધિકારી સાથે આ મુદ્દે વાત કરતાં એમણે કહ્યું કે અમે આ બાબતે કોઈ ટિપ્પણી કરવા ઈચ્છતા નથી. ડોક્યુમેન્ટરીમાં સેને સમાજની પસંદગી, વિકાસ, અર્થશાસ્ત્ર, ફિલોસોફી અને કટ્ટરપંથીઓ દ્વારા ઊભા કરાયેલ ભય બાબતે ચર્ચાઓ કરી છે. ફિલ્મમાં ૧પ વર્ષના ગાળાને આવરી લેવાયો છે જે ર૦૦રથી શરૂ કરી હાલમાં બની રહેલ ઘટનાઓને આવરી લે છે.