નવી દિલ્હી,તા.૭
ભારતીય શટલર સાઈના નેહવાલ અને કિદામ્બી શ્રીકાંતે ઓલ ઈગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપની સિંગલ ઈવેન્ટમાં પ્રિ-ક્વાર્ટર ફાઈનલ સુધી પહોંચી ગયા છે. જોકે મેન્સ સિંગલ્સમાં ભારતીય ટીમ વતી રમી રહેલા સમીર વર્માની હાર થતાં તેની સિંગલ્સની સફર સમાપ્ત થઈ છે. તેને વિશ્વનાં છઠ્ઠી રેન્કિંગના ખેલાડી વિક્ટર એક્સેલસેન સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. જેમાં ૧૬-૨૧, ૨૧-૧૮ અને ૨૧-૧૪થી મુકાબલો થયો હતો.
સાઈનાએ વુમન્સ સિંગલ્સની પહેલી મેચમાં સ્કોટલેન્ડની ક્રિસ્ટી ગિલમોઉરને ૨૧-૧૭,૨૧-૧૮થી હરાવી હતી. હવે પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં તેની ટક્કર ડેનમાર્કની લાઈન હોજમાર્ક કેજર્સફેલ્ડટ સાથે થવાની છે. સાઈનાએ ક્રિસ્ટીને હરાવવા માટે માત્ર ૩૫ મીનિટનો સમય લીધો હતો. સાઈના અને ક્રિસ્ટી સાતમી વખત સામ સામે રમી હતી. અને દરેક વખતે સાયનાની જ જીત થઈ છે. સાઈનાની વર્લ્ડ રેન્કિંગ નવમી છે જ્યારે ક્રિસ્ટી આ લિસ્ટમાં ૨૯મા સ્થાને છે.
મેન્સ સિંગલ્સમાં પ્રથમ રાઉન્ડમાં જ કિદામ્બીએ ફ્રાન્સના બ્રાઈસ લેવરડેઝને ૨૧-૧૩,૨૧-૧૧થી હરાવી હતી. વર્લ્ડ નંબર- ૮ ઉપર રહેલી કિદામ્બીએ ૨૫મા નંબર ઉપર રહેલી બ્રાઈસને હરાવવા માટે માત્ર ૩૦ મીનિટનો સમય લીધો હતો. બન્ને વચ્ચે આ ત્રીજો મુકાબલો હતો. ત્રણેય મેચમાં ભારતીય શટલર કિદામ્બીનો જ વિજય થયો છે. હવે પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં કિદામ્બીની ટક્કર હવે એશિયન ગેમ્સની ગોલ્ડ મેડાલિસ્ટ અને ઈન્ડોનેશિયાની જોનાટન ક્રિસ્ટી સાથે થવાની છે.