અમદાવાદ, તા.૨૩
સાસરિયાઓના ત્રાસથી અનેક પરણીતાઓ આપઘાત કરી લેતી હોવાના કિસ્સાઓ અમદાવાદમાં બનતા હોય છે પરંતુ આજે ફાયરબ્રિગેડ રેસ્ક્યુ ટીમના કર્મચારીની સતર્કતાથી અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતી એક પરિણીતા અને તેની બાળકીનો જીવ બચી ગયો છે. સાસરિયાના ત્રાસથી સાબરમતી નદીમાં આપઘાત કરવા આવેલી માતા-પુત્રીને ફાયરકર્મીએ નદીમાં પડતા બચાવી અને પોલીસને સોંપી હતી. ગોતા વિસ્તારના એક ફ્લેટમાં રહેતી મહિલા તેની એક વર્ષની પુત્રી સાથે ગઈકાલે સાંજે પાંચ વાગ્યે નીકળી ગઈ હતી. આખી રાત એક ગાર્ડનમાં વિતાવી આજે સવારે બંને નેહરૂ બ્રિજ પાસે વોક વે પર આવી હતી. રેસ્ક્યુ ટીમના ભરત મંગેલા ત્યાંથી નીકળ્યા અને તેમને શંકા જતા પૂછપરછ કરી હતી. દીકરીના જન્મ પછી સાસરિયાના ત્રાસથી કંટાળી અને તે પુત્રી સાથે ઘરેથી નીકળી ગઈ હતી. પોતાના માતા-પિતા ગરીબ હોવાથી અને તેની એક બહેન હજી અપરણિત હોઈ તેમના ઘરે જઈ બોજ બનવા ન માંગતી હોવાથી તેને આપઘાતનો વિચાર આવ્યો હતો.. ૧૮૧ અભ્યમ હેલ્પલાઈનને જાણ કરતા તેઓ મહિલાને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.