જામનગરના લાલપુર પાસે નગરસેવક ઉપર યુવા ભાજપના ઉપપ્રમુખે ફાયરિંગ કર્યું

(સંવાદદાતા દ્વારા) જામનગર, તા.૨૦
જામનગરના લાલપુર બાયપાસ પાસે ગઈરાત્રે એક નગરસેવક પર મોટરમાં ધસી આવેલા યુવા ભાજપના ઉપપ્રમુખે રિવોલ્વરમાંથી ફાયરિંગ કર્યાની પોલીસમાં ફરિયાદ થઈ છે. પોલીસે બે શખ્સો સામે આર્મ્સ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આ બનાવે ભારે ચકચાર જગાવી છે. જામનગર મહાનગર પાલિકાના વોર્ડ નં.૧૬ના નગરસેવક અતુલભાઈ ભંડેરી તથા તેમના મિત્ર ગઈકાલે રાત્રે સવા બારેક વાગ્યે લાલપુર બાયપાસ પાસે આવેલી પાનની એક દુકાન નજીક ઊભા રહીને વાતો કરતા હતા. આ વેળાએ એક મોટરમાં ધસી આવેલા યુવા ભાજપના ઉપપ્રમુખ હસમુખ પેઢડિયા તથા તેની સાથે રહેલા જીજ્ઞેશ નામના શખ્સે દોટ મૂકી અતુલભાઈ નજીક આવવાનો પ્રયાસ કર્યો હતો. આ વેળાએ હસમુખ પેઢડિયાએ પોતાની પાસે રહેલી રિવોલ્વર બહાર કાઢી એક ફાયર કર્યો હતો, પરંતુ તેમાંથી વછૂટેલી ગોળી અતુલભાઈને સ્પર્શ્યા વગર પસાર થઈ ગઈ હતી. આ વેળાએ બનાવના સ્થળે હો-હા મચી જતાં હસમુખ તથા તેનો સાગરિત જીજ્ઞેશ નાસી છૂટયા હતા. મોત ભાળી ગયેલા અતુલભાઈ મારતી મોટરે બનાવના સ્થળેથી રવાના થઈ પોતાના ભત્રીજા રોહિત ભંડેરીના ઘેર દોડી ગયા હતા. આજે સવારે અતુલ ભંડેરી દરબારગઢ સ્થિત સિટી-એ ડિવિઝન પહોંચ્યા હતા જ્યાં તેઓએ પીઆઈ રાઠોડ સમક્ષ આ બાબતની ફરિયાદ નોંધાવતા પોલીસે આર્મ્સ એકટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી નાસી છૂટેલા બન્નેની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે, કુખ્યાત ભૂ-માફિયા જયેશ પટેલ પર આઠેક મહિના પહેલા રતનબાઈ મસ્જિદ પાસે થયેલા ફાયરિંગના બનાવમાં પણ જે તે વખતે હસમુખ પેઢડિયાની સંડોવણી ખૂલી હતી ત્યાર પછી ફાયરિંગનો વધુ એક બનાવ આ શખ્સ સામે નોંધાયો છે. કોર્પોરેટર અતુલભાઈ ભંડેરી અગાઉ કોંગ્રેસમાંથી નગરસેવક તરીકે ચૂંટાયા પછી ગઈ વિધાનસભાની ચૂંટણી વેળાએ તેઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો, બીજું જોગાનુજોગ એ પણ છે કે, ગઈકાલના ફાયરિંગના બનાવના આરોપી હસમુખ પેઢડિયા હાલમાં યુવા ભાજપના ઉપપ્રમુખ છે તેઓ પણ અગાઉ કોંગ્રેસમાં હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks