(એજન્સી) ચેન્નઈ, તા.૧૮
તમિલનાડુમાં ચાલી રહેલી રાજકીય વિખવાદની વચ્ચે શશિકલા-દિનકરન છાવણીને મોટો ફટકો પડ્યો છે. વિધાનસભા અધ્યક્ષ પી ધનપાલે ટીટીવી દિનકરનના વફાદાર ૧૮ ધારાસભ્યોનું સભ્યપદ રદ કરી નાખ્યું છે. વિધાનસભા અધ્યક્ષે બંધારણની કલમ ૧૦ હેઠળ આ ધારાસભ્યોનું સભ્યપદ રદ કરી નાખ્યું છે. અધ્યક્ષની આ કાર્યવાહી બાદ ઈ પલાનીસામીની આગેવાનીવાળી સરકાર પર સંકટના વાદળ વિખેરાતા નજરે પડે છે. વિધાનસભા સચિવ દ્વારા જારી બયાનમાં કહેવામાં આવ્યું છે કે, વિધાનસભા અધ્યક્ષે પક્ષપલટું ધારા હેઠળ કાર્યવાહી કરી છે. હવે આ તમામ ૧૮ ધારાસભ્યો અયોગ્ય જાહેર કરવામાં આવે છે અને તેમનું સભ્યપદ રદ કરી નાખવામાં આવ્યું છે. મુખ્યમંત્રી પલાનીસામી અને પનીરસેલ્વમની વિરૂદ્ધ મોરચો ખોલનાર દિનકરન માટે આ બહુ મોટો ઝટકા સમાન છે. વિધાનસભા અધ્યક્ષે તમામ ધારાસભ્યોને પોતાની સામે હાજર થવાનું ફરમાન પાઠવ્યું છે. પરંતુ બહુ ઓછા ધારાસભ્યો અધ્યક્ષ સમક્ષ હાજર રહ્યા હતા. ધારાસભ્યોને અનેકવાર નોટિસ ફટકારવામાં આવી છતાં તેઓ હાજર ન રહ્યા. આ પહેલા પનીરસેલ્વમ અને પલાનીસામીની છાવણીએ વીકે શશિકલા અને દિનકરનને પાર્ટી મહાસચિવ પદેથી હાંકી કાઢ્યા હતા. સાથે દિનકરને જે નિયુક્તિઓ કરી હતી તેને રદ કરવામાં આવી. અધ્યક્ષે ધારાસભ્યોનું સભ્યપદ રદ કરતા પહેલા તેમને ચેતવણી આપી હતી કે તેઓ શુક્રવાર સુધીમાં પાર્ટી વિરોધી ગતિવિધિઓના આરોપોને રદિયો આપે. ૨૩૪ સભ્યબળ ધરાવતી તમિલનાડુ વિધાનસભામાં પલાનીસામીને ૧૧૨ સભ્યોનું સમર્થન છે. ૧૮ ધારાસભ્યોનું સભ્યપદ રદ થતાં તેઓ આસાનીથી વિશ્વાસમત જીતી જશે.