(એજન્સી)
નવી દિલ્હી, તા. ર૯
જો તમને ક્યાંકથી લીંબુ મળી જાય તો તમે તેની શિકંજી બનાવી શકો છો. પરંતુ જ્યાર તમે ઈયર ફોનના પૈસા આપો અને તેના બદલામાં તમને ભાજપનું પ્રાથમિક સભ્યપદ મળી જાય તો તમે શું કરશો ? આ કોઈ મજાક નથી, કલકત્તામાં એક શખ્સની સાથ કંઈક આવું જ બન્યું છે. એક ઉત્સાહી ફૂટબોલ ચાહકે ઈ-કોમર્સ સાઈટ ફ્લિપકાર્ટ પર બે જોડી ઈયરફોનનો ઓર્ડર આપ્યો હતો. તેણે વિચાર્યું હતું કે તે કોઈ પણ વ્યક્તિને પરેશાન કર્યા વગર મોડી રાત્રી સુધી ચાલનારી ફીફા વિશ્વકપની ફૂટબોલ મેચનો આનંદ માણી શકશે. અંતે એક પેકેટ આવી ગયું. પરંતુ આ પેકેટમાં તેના ઈયરફોનની જગ્યાએ તેલની શીશી નીકળી.
કોઈ પણ રોષે ભરાયેલા શખ્સની જેમ તેણે પેકેટ પર છપાયેલા કસ્ટમર કેર નંબર પર ફોન કર્યો જેથી તે ફ્લિપકાર્ટના અધિકારીઓને પોતાની સમસ્યા જણાવી શકે અને પોતાનો રોષ પ્રગટ કરી શકે. પરંતુ ગ્રાહકને એ જાણ નહોતી કે, તેના માટે હજુ એક સરપ્રાઈઝ રાહ જોઈ રહ્યું છે. નારાજ કસ્ટમરનો ફોન એક રિંગ વાગ્યા બાદ કટ થઈ ગયો અને બીજી જ સેકન્ડે તેના ફોન પર એક મેસેજ આવી ગયો મેસેજમાં લખ્યું હતું “ભાજપમાં તમારૂં સ્વાગત છે.” જી હાં , આવું જ થયું છે. આ સંદેશમાં તેને પાર્ટીમાં સામેલ થવા બદલ પ્રાથમિક સભ્યપદનો નંબર પણ આપવામાં આવ્યો છે. ત્યારબાદ તેણે ફ્લિપકાર્ટ પર આપેલા ટોલ ફ્રી નંબર પર એકથી વધુ વખત સંપર્ક કર્યો. તેણે આ વાત તેના મિત્રો સાથે પણ શેર કરી દરેકના મોબાઈલ પર ભાજપા તરફથી સ્વાગતનો જ મેસેજ આવ્યો. જો કે, બંગાળ ભાજપાએ આ વાતનો સંપૂર્ણ પણે ઈન્કાર કરતાં કહ્યું છે કે, તેને ફ્લિપકાર્ટ સાથે કોઈ જ લેવા-દેવા નથી. બીજી તરફ ફ્લિપકાર્ટે પણ એ વાતનો સ્વીકાર કર્યો છે કે, તેનો આ નંબર ત્રણ વર્ષ જૂનો છે. જો કે, એ રહસ્ય પરથી હજુ પણ પડદો ઊંચકાયો નથી કે, કેવી રીતે ફ્લિપકાર્ટનો નંબર ભાજપની પાસે અને તેના પેકેટ સુધી પહોંચ્યો. પરંતુ ફ્લિપકાર્ટે હેડફોનના સ્થાને તેલની શીશી મેળવનાર ગ્રાહકને તેના પૈસા રિફન્ડ આપવાનું વચન આપ્યું છે.