Editorial Articles

ભોજનનો બગાડ કરતા આપણે રાત્રે ભૂખ્યા સૂતા ગરીબોનું ન વિચારીએ ?

તાજેતરમાં મારે ઓફિસમાં નાઈટશિફટ હતી એટલે સાથીમિત્રો સાથે નવ વાગ્યે ભોજન લીધા બાદ રાબેતા મુજબ કામમાં લાગી ગયો. ત્યારે રાત્રે દોઢ વાગ્યે કામ પૂર્ણ કરી ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે જ ભૂખ લાગી અને આમ પણ ચોમાસામાં ભૂખ તો વધારે જ લાગે એવામાં ઘરે જવા નીકળ્યો ત્યાં જ રસ્તામાં જોરદાર વરસાદ પડ્યો ને પલળી ગયો એટલે કડકડતી ભૂખ લાગી. તો નાસ્તો કરવાનું વિચાર્યું. પરંતુુ સવાલ એ હતો કે રાત્રે દોઢ વાગ્યે નાસ્તો કરવા જવું ક્યાં ? ત્યારે અચાનક મને યાદ આવ્યું કે ઘરે જતી વખતે બરાબર ઈસનપુર બસ સ્ટેશન સામે એક ફાસ્ટફૂડની લારી મોડી રાત સુધી ખુલ્લી હોય છે. એટલે મેં ઈસનપુર જવા માટે બાઈક મારી મૂકી. જેવો ત્યાં પહોંચ્યો એટલે લારી જોઈને જ થોડી રાહત મળી કે હાશ હવે પેટપૂજા થશે. મેં તરત લારીવાળાને સેન્ડવિચનો ઓર્ડર આપ્યો. સેન્ડવિચ આવે ત્યાં સુધી તો પેટમાં જાણે બિલાડાં બોલવા લાગ્યાં. જેવી સેન્ડવિચ આવતાં જ જાણે દિવસોથી ભૂખ્યો હોઉં તેમ હું સેન્ડવિચ ઝાપટવા લાગ્યો. સેન્ડવિચ પેટમાં ગઈ ત્યારે હાશકારો અનુભવ્યો. લારીવાળાને પૈસા આપીને ત્યાંથી જવાની તૈયારી કરતો હતો ત્યાં જ એક લઘર-વઘર કપડાં પહેરેલા ૬૦થી ૬પ વર્ષના વૃદ્ધ લારી પર આવ્યા. જેઓ કપડાં અને ભાષા પરથી મજૂર લાગતા હતા. વૃદ્ધે લારીવાળાને કહ્યું કે પેલું કેટલાનું ? એટલે લઘર-વઘર વૃદ્ધને જોઈને લારીવાળાએ કહ્યું કે ‘વડાપાંઉ છે,૧પ રૂપિયાનો’ ત્યારે ફરી આંખો પટપટાવીને પેલા વૃદ્ધે કહ્યું કે પેલું કેટલાંનું ? ત્યારે લારીવાળાના જાણે ભવાં ઊભાં થઈ ગયાં હોય તેમ કહ્યું કે તે દાબેલી છે અને પેલો પફ છે. બધાના ૧પ રૂપિયા જ છે. તમારે શું જોઈએ છે ? ત્યારે હેબતાઈ ગયેલા વૃદ્ધે જરાક અટકીને વડાપાંઉનો ઓર્ડર આપ્યો. પછી તરત જ ના પાડીને કહ્યું કે પેલો મોટો છે એ (પફ) ખાવા આપી દો અને બે બાંધી દો. આ બધું હું જોઈ રહ્યો હતો. લારીવાળા અને વૃદ્ધ વચ્ચેના સંવાદમાં વૃદ્ધના ચહેરાના હાવભાવ કહી આપતા હતા કે તે કેટલા ભૂખ્યા છે. ત્યારે હું વિચારવા લાગ્યો કે મેં તો કલાકો પહેલાં જ ભોજન લીધું.  મને કડકડતી ભૂખ લાગી ગઈ તો આ મજૂર જેવા દેખાતા વૃદ્ધે ભોજન ક્યારે લીધંુ હશે ? તેવો પ્રશ્ન મારા મગજમાં ચર્ચાની ચકડોળે ચઢી ગયો. તેવામાં લારીવાળાએ પેલા વૃદ્ધને પફ આપ્યો અને વૃદ્ધને પફ ખાતા જોયા તો મને અંદાજો આવી ગયો કે તે વૃદ્ધ કેટલા ભૂખ્યા હશે ? અને તેમણે અડધી રાત્રે પેક કરાયેલા બે પફ ઘરે રાહ જોતા તેમના પરિવારજનો માટે જ હશે. જો કે સામાન્ય દેખાતા બનાવે મારામાં અસામાન્ય પરિવર્તન લાવી દીધંુ છે તેવું કહું તો તેમાં કોઈ જ શંકા નથી. ગરીબો પ્રત્યે આપણને સહાનુભૂતિ તો હોય જ છે પરંતુ તેમના માટે કંઈક કરવું એ પણ અનિવાર્ય છે. જો કે ભૂખ્યાને અન્ન આપવું એ તો સવાબ (પુણ્ય)નું કામ છે. પરંતુ તેના માટે શું આપણે આવા પ્રસંગ બને તેની જ રાહ જોવી પડશે કે શું ? આપણે લગ્નપ્રસંગે કે પછી વારે તહેવારે વધેલંુ ભોજન કચરામાં ફેંકવાને બદલે મોટો પફ ખાવા આવેલા આ વૃદ્ધ જેવા ગરીબોને શોધીને વધેલું અન્ન આપીએ તોય કેટલાય ગરીબોને ભૂખ્યા ઊંઘવું ન પડે. જો કે  પાર્ટીઓ યોજીને આપણે જ્યાફતો માણીએ છીએ. ચોમાસામાં વધારે ભૂખ લાગે છે કહીને દાલવડા, મકાઈ જેવી સ્વાદિષ્ટ વાનગીઓ આરોગવા મિત્રો સાથે જઈએ છીએ ત્યારે એક વાર વિચારી જોજો કે માંડ બે ટંકના રોટલા રળતા આ ગરીબોને ફકત ચોમાસામાં જ નહીં અન્ય દિવસોએ પણ શું વધારે ભૂખ લાગતી નહીં હોય ???

(અમદાવાદ)- મનસૂરી ફિરોઝ