ફોરેન્સિક તપાસના રિપોર્ટથી BHU પ્રશાસનની પોલ ખૂલી મૂર્તિ પર કાળી શાહી લગાવવાનો આરોપ ખોટો હતો

(એજન્સી) વારાણસી, તા.૬
બનારસ હિન્દુ યુનિ. વિદ્યાર્થિનીઓ સાથે છેડતી અને પોલીસ લાઠીચાર્જ બાદ ચર્ચામાં છે. ર૩ સપ્ટેમ્બરના રોજ વિદ્યાર્થિનીઓ પર થયેલા લાઠીચાર્જ બાદ જિલ્લા પ્રશાસનના અહેવાલે બીએચયુ પ્રશાસનને આ સમગ્ર ઘટના માટે જવાબદાર ઠેરવ્યું છે. હકીકત તો એ છે કે, બીએચયુના કુલપતિ અને પ્રશાસનના લોકો અહંકારમાં એટલા તો ડૂબેલા હતા કે તેમણે વિદ્યાર્થિનીઓના વિરોધ પ્રદર્શન સામે આંખ આડા કાન કરવા ઉપરાંત, પીએમઓથી લઈને સીએમ સુધી કોઈની પણ સલાહ માની નહીં. રાજ્ય અને કેન્દ્ર સરકારની સલાહનું ખુલ્લેઆમ અપમાન કરવામાં આવ્યું. આટલું જ નહીં વિદ્યાર્થિનીઓના યોગ્ય આંદોલન કલંકિત કરવા માટે બીએચયુ પ્રશાસને જુઠ્ઠાણાંનો સહારો લીધો. સૂત્રોના જણાવ્યા અનુસાર રર સપ્ટેમ્બર એટલે કે, પોલીસ લાઠીચાર્જના એક દિવસ પહેલાં જ સીએમ યોગીએ કુલપતિ ગિરીશ ચંદ્ર ત્રિપાઠી સાથે ખુદ વ્યક્તિગત રૂપે વાત કરી હતી અને તેમને વિદ્યાર્થિનીઓને મળવા તથા તેમની ફરિયાદોનું નિવારણ કરવાની સલાહ આપી હતી પરંતુ કુલપતિએ સીએમની આ વાતની પણ અવગણના કરી અને વિદ્યાર્થિનીઓ પર પોલીસે લાઠીચાર્જ જેવી ઘટનાઓ ઘટી. કુલપતિથી લઈને મુખ્ય કુલાનુશાસકે પોતાના સાક્ષાત્કારમાં વારંવાર મીડિયાને જણાવ્યું કે, આંદોલન ઉગ્ર બન્યું હતું જેમાં મોટી સંખ્યામાં બાહ્ય તત્ત્વો પણ સામેલ થઈ ગયા હતા. પોલીસ લાઠીચાર્જને લઈને સ્પષ્ટતા કરતાં તેમણે કહ્યું હતું કે, મહામના માલવીયની મૂર્તિ પર કાળી શાહી લગાવીને વિદ્યાર્થિનીઓએ બધી જ હદ પાર કરી દીધી હતી પરંતુ પોલીસે માલવીયની મૂર્તિના સેમ્પલ જ્યારે ફોરેન્સિક તપાસ માટે મોકલ્યા તો રિપોર્ટમાં મૂર્તિ પર કાળી શાહીના કોઈ અંશ નથી. આ રિપોર્ટથી એ વાતનો સ્પષ્ટ થઈ ગઈ કે વિદ્યાર્થિનીઓ સાચું કહી રહી હતી કે તેમણે માલવીયની મૂર્તિ પર કોઈપણ પ્રકારની કાળી શાહી લગાવી નથી અને આ ખુલાસો બીએચયુ પ્રશાસનના ઢોંગની પોલ ખોલે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks