બંધારણમાં જ ન માનનારો RSS આજે સત્તા પર : તિસ્તા સેતલવાડ

નવી દિલ્હી, તા.૭

કર્મશીલ તિસ્તા સેતલવાડે નરેન્દ્ર મોદીની સરકારને ટ્રમ્પ-સરકાર કરતાં વધારે ખતરનાક ગણાવીને કહ્યું છે કે, આજે આરએસએસ આપણા દેશમાં સત્તા પર છે, જે ભારતના બંધારણમાં માનતો નથી. આપણે યુએસની ટીકા કરી શકીએ છીએ, પણ આજે જુઓ કે અમેરિકામાં કેવા કેવા વિરોધ રોજેરોજ થાય છે. નવી દિલ્હી ખાતે પોતાના પુસ્તક ‘ફૂટ સોલ્જર ઑફ ધી કન્સ્ટિટ્યૂશન’ના વિમોચન પ્રસંગે બોલતાં સેતલવાડે જણાવ્યું કે, મીડિયા, મહિલાઓ, કામદારો અને સમાજના દરેક વર્ગના લોકો આપખુદ પ્રમુખની સામે વિરોધ કરી રહ્યાં છે. પરંતુ અહીં નેતાગીરી વધારે ખતરનાક છે. ટ્રમ્પની પાછળ આરએસએસ નથી, પણ ભારતમાં આજે આરએસએસ સત્તા પર છે. આરએસએસ (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) ફાસીવાદી બળો તરફી જૂથ છે અને તે ભારતીય બંધારણમાં બિલકુલ માનતો નથી.

દિલ્હી યુનિવર્સિટી ખાતે તાજેતરમાં થયેલી હિંસાની ઘટનાઓનો સંદર્ભ પણ તેમણે પોતાના વક્તવ્યમાં ટાંક્યો હતો. તેમણે કહ્યું કે, જુઓ કે, આજે આપણી યુનિવર્સિટીઓમાં શું થઈ રહ્યું છે. યુવા નેતાઓને દેશદ્રોહના આરોપ લગાવાય છે. મહિલાઓ વિરુદ્ધ દિલ્હી યુનિવર્સિટીમાં જે હિંસા થાય છે તે આપણને આઘાત પહોંચાડે તેવી છે, પણ કોઈ કશું જ બોલતું નથી કેમ કે બધા ડરી ગયેલા છે. સમાજનું મોં બંધ કરી દેવાયું છે. આ ડર અને આ એકલતા આ જુલ્મકારોની તરફેણમાં જાય છે, અને આપણે તે વિશે વિચારવાની જરૂર છે. આ પુસ્તકનું વિમોચન ઑક્સફર્ડ બુકસ્ટોર દ્વારા તા. ૬ માર્ચના રોજ કરાવાનું હતું પરંતુ  બુકસ્ટોરે બાહ્ય તત્ત્વો દ્વારા વિક્ષેપનું કારણ ધરીને તેને રદ કર્યું હતું. બુકસ્ટોરના આ નિર્ણયને સેતલવાડે સેલ્ફ-સેન્સરશીપ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, આ તો સેલ્ફ-સેન્સરશીપ જેવી વાત છે. આની કોઈ જરૂર જ નહોતી. દુઃખની વાત છે કે પાટનગરમાં આવી બાબતો બને છે. અમે એવાં બળોની સામે પડ્યા છીએ કે જેઓ કોઈ પણ પ્રકારની અસંમતિ કે વિચારભેદ, ખાસ કરીને રાજકીય અસંમતિ ચલાવી લેતા નથી.

સેતલવાડના આ નવા પુસ્તકમાં સેતલવાડના જીવનના મહત્ત્વના પ્રસંગો ઉપર વાત કરવામાં આવી છે. તેમણે પત્રકાર તરીકે કારકિર્દી શરૂ કરી અને પછી ૧૯૮૪માં દિલ્હીમાં, ૧૯૯૨માં મુંબઈમાં તથા ૨૦૦૨માં ગુજરાતમાં થયેલાં કોમી રમખાણો બાદ તે કર્મશીલ બન્યાં હતાં.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts