અમદાવાદમાં તેમના મતવિસ્તારમાં પ્રથમવાર લગાવાયાં પોસ્ટરો
(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર,તા.ર૯
રાજયના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ એક તરફ પોતે સાઈડલાઈનમાં આવી જવાની વાત કરી મોટા ભાગના કાર્યક્રમોની અલાયદા જ રહે છે તો બીજી તરફ હવે દિવાળી ટાણે શુભેચ્છાઓ પાઠવતા પોતાના પોસ્ટરો અમદાવાદ શહેરમાં ઠેર-ઠેર લગાવાતા લોકોથી લઈને રાજકીય અમલમાં પણ આશ્ચર્ય ફેલાવવા પામ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગયા પછી રાજયના મુખ્યમંત્રી બનનાર આનંદીબહેન પટેલનો ગુજરાતના રાજકારણમાં ભારે દબદબો રહયો. તેમના કાળ દરમ્યાન તેઓ મોટા ભાગે મતવિસ્તાર બહાર સક્રિય રહયા અને બહારના કાર્યક્રમોમાં જ વ્યસ્ત રહયા તે સમયે મતવિસ્તારની યાદ આવી નહી ને હવે મુખ્યમંત્રીપદ ગુમાવ્યા બાદ મતવિસ્તાર યાદ આવ્યું. તેવા કટાક્ષો પણ આનંદીબહેનના પોસ્ટરોને પગલે વહેતા થયા છે. પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના ફોટા સાથેના દિવાળીની શુભેચ્છા પાઠવતા પોસ્ટરો શહેરમાં ઠેર-ઠેર લગાવવામાં આવતા લોકોમાં તેનાથી આશ્ચર્ય ફેલાવવા પામ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદના સમયમાં ગાંધીનગરનો બંગલો ખાલી કરી અમદાવાદના પોતાના બંગલામાં શીફટ થનાર આનંદીબહેન નારાજગીને પગલે રાજકારણથી અલાયદા રહેશે અને તેવી વાતો બહાર આવવા સાથે જાહેર કાર્યક્રમો મોટા ભાગે રાખતા જોવા મળ્યા હતા. ત્યારે હવે બીજી તરફ આ રીતના પોસ્ટરો લાગતા અચરજ થઈ રહયું છે.
દિવાળી આવતા શહેરમાં ઠેર-ઠેર શુભેચ્છાના પોસ્ટરો લાગી જાય છે ત્યારે આ વખતે અમદાવાદમાં આનંદીબહેનના પોસ્ટરોથી કુતુહલ પેદા થયું છે. આનંદીબહેન પટેલના મતવિસ્તાર ઘાટલોડિયામાં ઠેર-ઠેર દિવાળી તથા નૂતનવર્ષની શુભેચ્છા આપતા તેમના ફોટા ેસાથેના પોસ્ટરો લાગ્યા છે જોકે આ પોસ્ટરમાં આનંદીબહેન પટેલે પોતાની ઓળખ ઘાટલોડિયાના વિધાનસભ્ય તરીકે જ આપી છે. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એવું લખ્યું નથી. તેમના આ પોસ્ટરમાં કોર્પોરેટરો વોર્ડ પ્રમુખ અને મહામંત્રીઓના નામ છે અને તેઓએ પણ નાગરિકોને શુભેચ્છા પાઠવી છે.
સામાન્ય રીતે દિવાળીમાં કયારેય શુભેચ્છાના પોસ્ટર ન લગાડનાર આનંદબહેન પટેલે આ વખતે દિવાળીની શુભેચ્છાના પોસ્ટરો તેમના મતવિસ્તારમાં લગાવતા લોકો અચરજ પામી ગયા છે અને એવા કટાક્ષ વહેતા થયા છે કે બહેનને હવે લોકોની યાદ આવી ? અગાઉ પણ દિવાળી આવીને ગઈ પણ આ મતવિસ્તારમાં આ રીતે શુભેચ્છાના પોસ્ટરો કયારેય લાગ્યા નથી. આ તો હવે હોદ્દા પરથી ઉતરી ગયા પછી પ્રજામાં નામ ભૂંસાઈ ન જાય એના પ્રયત્ન બહેન દ્વારા થઈ રહયા છે એવી કમેન્ટ ઉઠવા પામી છે.