(સંવાદદાતા દ્વારા) વડોદરા,બોડેલી, તા.૨૯
વાઘોડીયા તાલુકાનાં રૂસ્તમપુરા ગામે ફટાકડાની દુકાનમાં શુક્રવારે લાગેલ આગમાં મોતને ભેટેલ ૮ જણાંના આજે અંતિમ વિધિ કરવામા આવતા ગામ હિબતે ચઢ્યુ હતું. દિવાળીનાં તહેવારોનો ઉત્સાહનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો હતો. ગામજનોએ આજે બંધ પાળ્યો હતો. ઘટનાવાળી દુકાનોવાળા વિસ્તારને પોલીસે કોર્ડન કરી આજે એફએસએલનાં અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી. વાઘોડીયાનાં રૂસ્તમપુરા ગામે અનાજ કરીયાણાની દુકાન ધરાવતા મોહંમદ આરીફ ઉર્ફે સદ્દામ ઈદ્રીશભાઈ ખત્રી (ઉ.વ.૨૮) દિવાળીનો પર્વ હોઈ તેમણે ફટાકડાની દુકાન શરૂ કરી હતી. આ દુકાનમાં શુક્રવારે સાંજે અકસ્માતે આગ લાગી હતી. આગમાં ગેસનો બોટલ પણ લપેટમાં આવી ગયો હતો. જે ફાટતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ આગની દુર્ઘટનામાં દુકાનદાર મોહંમદઆરીફ ઉર્ફે સદ્દામ ખત્રી તથા તેમના પત્ની કિસ્વરબાનું તેમજ દુકાન પર ફટાકડા તથા મોબાઈલફોન રિચાર્જ કરાવવા આવેલા ગ્રાહકો ગણપત ઉર્ફે ગોપાલ નાયક (ઉ.વ.૪૦), નિકુંજ અંબાલાલ રોહિત (ઉ.વ.૧૮), વિપુલ ઈશ્વરભાઈ ભીલ (ઉ.વ.૨૦), જયદીપ ઉર્ફે જયેશ પ્રતાપભાઈ બારીયા (ઉ.વ.૧૪), અનિલ અશોકભાઈ બારીયા તથા અનિલ અરવિંદભાઈ બારીયા (ઉ.વ.૧૧)નું ગંભીર રીતે દાઝી જતાં મોત નિપજ્યું હતું. આજે સદ્દામ ખત્રી તથા તેમનાં પત્ની કિસ્વરબાનું ના જનાજા તેમજ રોહિત તથા ગણપતની અંતિમ યાત્રા નિકળતા ગામ હિબકે ચઢ્યુ હતું. જ્યારે અન્ય મરનાર ચાર જણા આજુબાજુનાં પરા ગામનાં રહેવાસી હતા. હિન્દુ મુસ્લિમ તમામ ગામજનોએ પોતાના રોજી ધંધા બંધ રાખ્યા હતાં. દિવાળીનાં ઉત્સાહનાં તહેવારોમાં વાઘોડીયા પંથકમાં માતમ છવાઈ ગયો હતો. મુસ્લિમ ખત્રી સમાજના ૭ લોકો ગંભીર રીતે દાઝી જતાં સારવાર હેઠળ છે.