(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૬
ગુજરાતમાં ઓછા વરસાદને કારણે ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય સતાવી રહ્યો છે. બીજી તરફ બિયારણ ખાતર સહિતના વસ્તુઓના સતત વધી રહેલા ભાવવધારાથી ખેડૂતો પરેશાન છે તેમાંય સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર ન કરી ખેડૂતોને અન્યાય કરી રહી હોવાની લાગણી વ્યક્ત કરી સૌરાષ્ટ્રના ખેડૂતો રોજેરોજ વિરોધ પ્રદર્શન યોજી રહ્યા છે. આજરોજ જેતપુરના ખેડૂતોએ ગળામાં દોરડા બાંધી વિરોધ પ્રદર્શન કરી સંદેશો આપ્યો હતો કે, જો સરકાર ખેડૂતોની વ્હારે નહીં આવે તો આત્મહત્યા કરવાનો વારો આવશે. ગઈકાલે કાલાવડના આસપાસના ૧૦ ગામના ખેડૂતોએ સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. તો આજે સુરેન્દ્રનગર, જેતપુર તથા મોરબીમાં ખેડૂતોએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે. મોરબીમાં ખેડૂતોએ રસ્તાઓ પર લસણ ઢોળીને વિરોધ નોંધાવ્યો હતો. સુરેન્દ્રનગરમાં આજે મોટી સંખ્યામાં વિવિધ તાલુકાઓનાં ખેડૂતો ભેગા થયા હતા અને કલેકટર કચેરીએ વિરોધ કરાયો હતો. ચાર ધારાસભ્યોની આગેવાનીમાં ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. કલેકટર કચેરી ખાતે દેખાવો યોજવામાં આવ્યા હતા. પાકવીમાનું યોગ્ય વળતર આપવામાં આવે. પુરતું પાણી આપવામાં આવે સાથે જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવાથી માંડીને પડતર માગ મુદ્દે ખેડૂતોએ કલેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસનાં કાર્યકરો પણ જોડાયા હતા. ખેડૂતો દ્વારા વિશાળ રેલીનું પણ આયોજન કરાયું હતું. ખેડૂતોએ છાજીયા લઇને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. સાથે જ પડતર માગોને પુરી કરવા આહવાન કર્યુ હતું. તો જેતપુર તાલુકામાં ખેડૂતો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. ખેડૂતો દ્વારા ગળામાં દોરડા બાંધી ફાસો આપતા હોય તેમ એક સાથે દોરડા બાંધીને વિરોધ કર્યો હતો. મામલદાર કચેરીએ ખેડૂતો બેનર સાથે પહોંચ્યા હતા. પાણીની પાઇપ લાઈન નાખવા બાબતે ખેડૂતોને કાયમી ધોરણે ભાડાપટાની લીઝ ઉપર આપવી. આર ઓ યુ ૨૫મીને બદલે ૯ મીટર રાખવી. બિનખેતી વિસ્તારમાં ચાલતી પાઇપ લાઈનની કામગીરીમાં ખેડૂતોને ચાર ગણું વળતર આપવું અને જ્યાં પાઇપ લાઈનની કામગીરી પુર્ણ થઇ છે. ત્યાં ખેડૂતોને પાક નુકશાનીનું વળતર આપવામાં આવે જેવી માગણીઓને લઇને ખેડૂતોએ વિરોધ કર્યો હતો. મોરબીના ઘુંટુ ગામે રોડ ઉપર લસણના ઢગલા કરીને ખેડુતોએ પોતાનો વિરોધ દર્શાવ્યો છે. માર્કેટ યાર્ડમાં ભાવ નહીં મળતા નારાજ થયેલા ખેડુતોએ લસણ રોડ ઉપર ફેંકીને વાહન દોડાવ્યા હતા.