વલસાડ, તા.ર૧
આગામી ર૩મી ઓગસ્ટના રોજ ‘સ્વચ્છતા અભિયાન’ થકી સ્વચ્છ ભારતની વાત કરનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વલસાડની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે વલસાડના મુખ્ય માર્ગો પર નાના-મોટા ખાડા જોવા મળશે જે ભ્રષ્ટાચારની ચાડી ખાય છે, જ્યારે અનેક સ્થળોએ ગંદકીના ઢેર જોવા મળશે જે સ્વચ્છ ભારતની સાચી છબિ દર્શાવે છે. આ બધા દૃશ્યો જોઈ ‘સ્વચ્છ અભિયાન’ની મોટી- મોટી વાતો કરનાર વડાપ્રધાન મોદી પોતાના હોમ સ્ટેટ વિશે શું વિચારશે ??? વડાપ્રધાન નરેન્દ્ર મોદી વલસાડ જિલ્લાની મુલાકાતે આગામી ર૩મીના રોજ આવી રહ્યા છે ત્યારે કપરાડા, ધરમપુર તાલુકાઓમાં તથા અન્ય વિકાસશીલ યોજનાઓની ૨૦૦૦ કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવશે. જ્યારે વડાપ્રધાન વલસાડ શહેરની મુલાકાત લેશે ત્યારે તેઓએ વલસાડ શહેરમાં મુખ્ય માર્ગો, ભ્રષ્ટાચારને કારણે તૂટેલા રસ્તાઓ, સમગ્ર વલસાડ શહેરમાં ગંદકીના કારણે તેઓનું સ્વચ્છતા અભિયાનની અહીં ગેરહાજરી દેખાશે. વલસાડ શહેરમાં અંદરના ભાગમાં આવેલા રસ્તાઓ જોતા એવું લાગે છે કે આની કોઈ રખેવાળી કરવા માટે જરૂરી નથી. બીજી તરફ વલસાડ શહેરમાં રેલવે સ્ટેશન રોડ, બસ સ્ટેશન રોડ, કલ્યાણ બાગ પાસેના મુખ્ય માર્ગ ભ્રષ્ટાચારને કારણે તૂટેલા રસ્તા પર પડેલા ખાડાઓ તથા પાણી ભરાયેલા ખાડાઓ દેખાઈ રહ્યાં છે અને જે મેઈન રોડ ઉપર કલ્યાણ બાગ બગીચામાં જવા માટે તમારે સમગ્ર બગીચા પાસે ગંદકી ઓળંગીને પસાર થવું પડે છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનની આબરૂના ધજાગરા વલસાડ શહેર ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા ઉડાવવામાં આવશે તેવું લાગી રહ્યું છે. ‘‘ગુજરાત ટુડે’’ના પત્રકારે વડાપ્રધાનના આગમન પૂર્વે વલસાડ શહેરમાં મુખ્ય માર્ગની મુલાકાત લીધી ત્યારે તેઓએ આ તૂટેલા રસ્તાઓ, મુખ્ય માર્ગ પર ગંદકી જોઈને વલસાડ શહેરમાં બેજવાબદાર નગરપાલિકાના અધિકારીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે પરંતુ તેઓ ભુલી ગયા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મુખ્ય મિશન મંગલમ સ્વચ્છતા અભિયાન છે અને શાસકોની બેદરકારીને કારણે વડાપ્રધાન સાથે સમગ્ર દેશના પત્રકારો, મુખ્યમંત્રી, વડાપ્રધાનને સાંભળવા માટે આવનારા નાગરિકો, મહેમાનોની સામે વલસાડ શહેર નગરપાલિકા દ્વારા વડાપ્રધાન અને આવનાર મહેમાનોની સામે આ વરસાદમાં કેવું સારૂં સુંદર અને આકર્ષક વલસાડ શહેર બતાવશે કે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનની મજાક થશે તે તો ર૩મી ઓગસ્ટે ખબર પડશે ?