(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૩૦
સાબરમતી ગાંધીઆશ્રમમાં ગાંધીના વિચારોથી વિપરીત પ્રવૃત્તિ કરતા અને આશ્રમના હરિજન વિરોધી હોવાના આક્ષેપો થતાં ગાંધી સ્મારક ટ્રસ્ટના ચીફ ડાયરેકટર ત્રિદિપ સૃહૃદનું રાજીનામું સ્વીકારી લેવામાં આવતા આશ્રમના હરિજનોએ બાપુના આશ્રમમાં તેમના સિદ્ધાંતોનો વિજય થયો હોવાનો સૂર વ્યકત કર્યો હતો. આ અંગે હરિજન આશ્રમ બચાવ સમિતિના સંયોજક ધીમંત બઢિયા, હેમંત ચૌહાણ, શૈલેષ રાઠોડે એક યાદીમાં જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીએ હરિજન સમાજને ઉત્થાનનું કાર્ય કરવા અને સમાજમાંથી અસ્પૃશ્યતા દૂર કરવા સત્યાગ્રહ શરૂ કર્યો. પ્રથમ બાપુ દુદાભાઈ દાફડાના પરિવારને ગાંધીઆશ્રમમાં લાવી પોતાની સાથે વસાવ્યા હતા. જેમાં બાપુની નજીકના ઘણા લોકોને બાપુનું આ કાર્ય યોગ્ય લાગ્યું ન હતું. જે અંગે વિરોધના સૂર નીકળતા બાપુએ તમામને સ્પષ્ટ જણાવ્યું હતું અસ્પૃશ્યતા દૂર કરવાનું આ કાર્ય જેને પસંદ ન હોય તે સૌ આશ્રમ છોડીને જઈ શકે છે. એ જ આશ્રમ છે જ્યાં ગાંધી સ્મારક અને સંગ્રહાલયના ચીફ ડાયરેકટર પદે અંગ્રેજી વિષયના પ્રોફેસર ત્રિદીપ સૃહૃદની નિમણૂક ટ્રસ્ટી મંડળે અંગત સંબંધોને લઈ કરી હતી. ત્રિદીપભાઈ જાતે બ્રાહ્મણ હતા જેથી હરિજન સમાજની સામે સૂગ ધરાવતા હોવાનો અમો સ્પષ્ટ આક્ષેપ કરીએ છીએ. આ વ્યક્તિ ઘમંડી, પોતાના કરતા વધુ કોઈ જ હાંેશિયાર નથી એવું માનતા હતા. સ્મારક સંગ્રહાલયમાં એવો હુકમનો એક્કો કરી દીધેલ કે નાના મોટા સૌ કર્મચારીઓને તેમનો ડર લાગતો હતો. નાના કર્મચારીઓની રજૂઆત સાંભળવાનો સ્પષ્ટ ઈન્કાર કરતાં હતા. આ સત્યના આશ્રમમાં સેવા અને સાદગીને ગાંધીજીએ પ્રાધાન્ય આપેલ જે આ મહાશયના આવ્યા બાદ રહ્યું ન હતું. લકઝયુરિયર્સ જીંદગીવાળા અને ગાંધીજીએ વિચારધારા સાથે કદી સેટ ન થઈ શકે એવા આ મહાશયને તગડો પગાર આપીને ટ્રસ્ટ પોષતું હતું. જેના વિરોધના સૂર ઘણા સમયેથી સંભળાતા હતા. આશ્રમની શતાબ્દી સમારોહમાં પોતાનો અહમ સાચવવામાં મૂળ આશ્રમવાસીઓ સામે ટકરાવ ઊભો થતાં પોતાનો ઈગો સાચવવા શતાબ્દી સમારોહની પત્રિકામાં મૂળ આશ્રમવાસી પરિવાર જેવા શબ્દો ન લખવાનું આ મહાશયને ભારે પડી ગયું. જેથી મૂળ આશ્રમવાસીઓએ હરિજન આશ્રમ બચાવ સમિતિની રચના કરી અને હરિજન સમાના હકોની રક્ષા કરવા શતાબ્દી સમારોહનો વિરોધ કર્યો હતો તેમજ ગાંધી સ્મારક સંગ્રહાલય ટ્રસ્ટની કાર્યક્રમ આપી આ ઘમંડી ચીફ ડાયરેકટરનો સખ્ત વિરોધ કરી રાજીનામું માંગ્યું હતું. જેમાં ગાંધીવાદી ટ્રસ્ટી ઈલાબેન ભટ્ટને પણ આશ્રમવાસીઓની રજૂઆત યોગ્ય હોવાનું જણાયું. જેથી તા.૧૮-૬-ર૦૧૭ના રોજ ટ્રસ્ટ મંડળની મીટિંગમાં ઈલાબેન ભટ્ટે ત્રિદીપભાઈને આશ્રમવાસીઓ સાથે વાતચીત કરવાની ફરજ પાડતા ત્રિદીપભાઈએ સ્પષ્ટ ઈન્કાર કરી દેતાં ટ્રસ્ટી ગુસ્સે થયા હતા. ઉગ્ર બોલાબોલી થતાં ત્રિદીપભાઈએ રાજીનામું ધરી દેતાં પોતે હરિજન વિરોધી છે તેવું સાબિત થઈ ગયું અને અમે પણ ટ્રસ્ટને વારંવાર પત્ર લખી રાજીનામું સ્વીકારી લેવાની માગણી કરી હતી. બાદમાં જ આગળની વાતચીત શરૂ કરીશું. જેથી અમારા પત્ર તા.૧૯-૮-ર૦૧૭માં સ્પષ્ટતા કરતા અમારા પત્ર અનુસંધાને તા.ર૦-૮-ર૦૧૭ના રોજ ટ્રસ્ટ મંડળની મીટિંગ મળેલ જેમાં અમારા પત્ર મુજબ તાત્કાલિક ત્રિદીપ સૃહૃદનું રાજીનામું સ્વીકારી લેવાયું છે તે પ્રકારનો નિર્ણય ટ્રસ્ટ મંડળે જાહેર કરી દીધેલ તે મુજબ આ માસ સુધીમાં ત્રિદીપ સૃહૃદ તેમની બાકીની કામગીરી આટોપી લે તેમ જણાવી દીધું છે. આમ ૩૧મી ઓગસ્ટે ત્રિદીપ સૃહૃદનો છેલ્લો દિવસ છે. આ વ્યક્તિના જવાથી ટ્રસ્ટને કોઈ જ નુકસાન નથી. ટ્રસ્ટ કે સ્મારક બંધ થઈ જવાનું નથી. આ સૈદ્ધાંતિક જીત માટે આશ્રમવાસીઓ આનંદની લાગણી અનુભવે છે અને ત્રિદીપ સૃહૃદનું રાજીનામું એ અમારા હરિજન આશ્રમ બચાવ સમિતિના સત્યાગ્રહની અને સત્યનો વિજય છે.