(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૭
ખેડૂતોના દેવા માફ કરવાની માગ સાથે આંદોલન કરતા અલ્પેશ ઠાકોરે ખેડૂતોના પડતર પ્રશ્નોને વાચા આપવા માટે ગાંધીઆશ્રમથી ગાંધીનગર સુધી રેલી કરવા માટે નીકળ્યા હતા. જો કે રેલીને મંજૂરી નહીં હોવાથી પોલીસે અલ્પેશ ઠાકોર સહિત ર૦૦ જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રની ભાજપ સરકારે ખેડૂતોના દેવા માફ કરીને તેમને ચિંતા મુક્ત કરી શકતી હોય તો ગુજરાતની ભાજપ સરકારના પેટમાં શું દુઃખે છે ? તેથી ગુજરાતના ખેડૂતોના પણ દેવા માફ કરવાની માગ સાથે અલ્પેશ ઠાકોર, સાગર રબારી સહિતના અગ્રણીઓએ તાજેતરમાં દૂધબંધી કરીને રસ્તામાં દૂધ ઢોળીને સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ આયોજન મુજબ અલ્પેશ ઠાકોરે રાજ્યના ખેડૂતોના દેવા માફ કરવા સહિતના ખેડૂતોના પડતર પ્રશ્નો મામલે ગાંધીઆશ્રમથી ગાંધીનગર સુધી રેલી કાઢી હતી. પરંતુ રેલી માટે પોલીસની મંજૂરી મળી ન હતી. તેથી ગાંધીઆશ્રમથી નીકળેલી રેલીને પોલીસે અમદાવાદ કલેક્ટર કચેરી પાસે જ અટકાવી દઈને અલ્પેશ ઠાકોર, સાગર રબારી, શંભુ રબારી, યુનુસ બેલીમ, મુકેશ ભરવાડ સહિત ર૦૦ જેટલા લોકોની અટકાયત કરી હતી.
લોકોના અવાજને દબાવવા માટે પોલીસનો ઉપયોગ કરે છે સરકાર
રેલી રોકવા અંગે અલ્પેશ ઠાકોર અને સાગર રબારીએ સંયુક્ત રીતે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા દિવસોથી દેશના અન્ય રાજ્યોની જેમ ગુજરાતના ખેડૂતો સંપૂર્ણ દેવા માફી, પોષણક્ષમ ભાવ, કાયમી કૃષિ નીતિ અને દૂધ પર લિટર ૩ રૂપિયાની સબસિડીની માગણી સાથે આંદોલન કરી રહ્યા છે પરંતુ સંવેદનહીન, કોર્પોરેટ પ્રેમી સરકાર તરફથી કોઈ પ્રતિસાદ મળતો નથી. આજે સવારે ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધીની પદયાત્રાનું આયોજન કર્યું હતું છતાં પોલીસ તરફથી પરવાનગી આપવામાં આવી નહોતી. સવારે ઓ.બી.સી. એકતા મંચ અને ખેડૂત સમાજ ગુજરાતની આગેવાનીમાં શરૂ થયેલી યાત્રા મહાત્મા ગાંધીની પ્રતિમાને ફૂલ અને આંટી અર્પણ કરી આગળ વધી ત્યારે અમદાવાદ કલેક્ટર ઓફિસ આગળ યાત્રાને પોલીસે અટકાવી હતી. ખેડૂતોને ડિટેઈન કરી પોલીસ વાહનોમાં ભરી શાહીબાગ પોલીસ સ્ટેડિયમ ખાતે લઈ જવાયા હતા. ગુજરાત સરકાર લોકોના અવાજને દબાવવા માટે પોલીસનો ઉપયોગ કરે છે તેના કરતા અડધા ભાગનો ઉપયોગ જો કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ગોઠવે તો ગુજરાતમાં ના નલિયા થાય, ના માંડવી થાય કે ના દલિત અત્યાચાર થાય, સરકારને દમન રોકવા કરતા દમન ગુજરવામાં વધારે રસ દેખાય છે. સમાજનો કોઈ વર્ગ ‘ગુજરાત મોડલ’ને પડકારે તે સરકાર સહન કરી શકતી નથી.