અમદાવાદ,તા.૭
શહેરના સોલા વિસ્તારમાં થયેલા લઠ્ઠાકાંડ બાદ અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણીએ ગાંધીનગર ખાતે જનતા રેડ કરીને દારૂ પકડયો હતો. જેને પગલે ત્રણેય યુવા નેતાઓ સામે ગાંધીનગર પોલીસે ગુનો નોધ્યો છે. જેમાં ત્રણેય સામે મહિલાના ઘરમાં ગેરકાયદે પ્રવેશ કરવો, ખોટા પુરાવા ઉભા કરવા અને ઉદ્ધતાઈથી વર્તન કરવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. જેને પગલે મોડી સાંજે ત્રણેય યુવા નેતાઓએ ગાંધીનગર એસપી ઓફિસમાં સામેથી હાજર થઈને પોતાની ધરપકડ કરાવવા માગ કરી હતી. પરંતુ પોલીસે તેમની ધરપકડ કરવાનો ઈન્કાર કર્યો હતો. થોડા દિવસ પહેલા જ અમદાવાદમાં સોલા વિસ્તારમાં ૪ યુવકોને લઠ્ઠાની અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યાર બાદ કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ ત્રણેય યુવા નેતાઓ પીડિતોને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા. બાદમાં તેમણે પત્રકાર પરિષદ કરીને ગૃહમંત્રી પ્રદીપસિંહને અમદાવાદ અને ગુજરાતને દારૂમુકત કરવાનો પડકાર ફેકયો હતો. ત્રણેય નેતાઓએ એવું પણ કહ્યું હતું કે બે દિવસ પછી તેઓ દારૂના અડ્ડાઓ અને દારૂ વેચતા લોકોને ત્યાં જનતા રેડ કરશે. ત્યાર બાદ આ ત્રણેયે કાયદો હાથમાં લીધો હતો અને સાંજના સમયે ગાંધીનગર ખાતે સેકટર-ર૧માં એક મહિલાના ઘરે જનતા રેડ કરીને દેશી દારૂ પકડી પાડયો હતો. આ મકાનમાંથી બે થેલીમાં ૪૦૦-૪૦૦ મીલીનું દારૂ જેવું લાગતું પ્રવાહી મળી આવ્યાનો ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે દાવો કર્યો હતો. બાદમાં અલ્પેશે મીડિયા સમક્ષ ગુજરાતમાં દારૂબંધી છતાં વેચાણ ચાલતું હોવા મુદ્દે તિખી પ્રતિક્રિયા આપી હતી. બીજી તરફ જેના ઘરમાંથી કથિત દારૂ પકડાયો હતો તે પરિવારે જણાવ્યું હતું કે કોઈ અજાણ્યો યુવક અમારા ઘરની ઓસરીમાં કોથળી મુકવા આવ્યો હતો. અમે તેને કંઈક પૂછીએ તે પહેલા તો તે નીકળી ગયો હતો અને તુરત જ આ ટોળુ ધસી આવ્યું હતું. આમ ત્રણેય યુવાઓ સામે મહિલાના ઘરમાં ગેરકાયદે પ્રવેશ કરવો, ખોટા પુરાવા ઉભા કરવા અને ઉદ્ધતાઈથી વર્તન કરવાનો ગુનો નોંધવામાં આવ્યો છે આ ત્રણેય યુવા નેતાઓ સાંજે સામે ચાલીને ધરપકડ વ્હોરવા ગાંધીનગર એસ.પી. કચેરી ગયા હતા.
જયાં પોણા બે કલાક સુધી પોલીસ સાથે ત્રણેય નેતાઓની બેઠક ચાલી હતી. ત્યારે ત્રણેય નેતાઓએ પોતાની ધરપકડ કરવાની માગ કરી હતી. પરંતુ પોલીસે ધરપકડ કરવાનો ઈન્કાર કર્યો હતો. ત્યાર બાદ હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણીએ એસપી કચેરીની બહાર જ ધરણા ઉપર બેસી તેમની સામે ફરિયાદ કરનારી મહિલા અને તેના પતિની ધરપકડ કરવાની માગ કરી હતી.