(એજન્સી) વારાણસી, તા.૨૭
ઓક્ટો.૨૦૧૫માં અશાંતિ, હિંસા અને કર્ફ્યુના લગભગ બે વર્ષ બાદ ઉ.પ્ર.ના શહેરો હવે ભગવાનની મૂર્તિઓના ગંગામાં વિસર્જન માટે ફરીથી કમર કસી રહ્યા છે. ગંગાના કિનારે આવેલા વારાણસી અને અન્ય શહેરો હવે મૂર્તિ વિસર્જનના પ્રશ્નના નિરાકરણ માટે હિંદુ હૃદયસમ્રાટ અને રાજ્યના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ તરફ મીટ માંડીને બેઠા છે.
અન્ય રાજ્યની જેમ ઉ.પ્ર.માં પણ દુર્ગા અને અન્ય દેવતાઓની મૂર્તિઓનું નદીમાં વિસર્જન કરવાની પરંપરા છે. અલ્હાબાદ હાઈકોર્ટેે એવો ચુકાદો આપ્યો હતો કે રાજ્યભરમાં આવેલી ગંગા નદીમાં મૂર્તિઓનું વિસર્જન કરવું જોઈએ નહીં. અદાલતે સત્તાવાળાઓને એક વર્ષની છૂટછાટ આપી હતી અને પૂજા સમિતિઓને મૂર્તિ વિસર્જનનો કોઈ વિકલ્પ શોધી કાઢવા જણાવ્યું હતું.
પરંતુ ૨૦૧૫માં આ મુદ્દે હિંદુ ઉગ્રવાદીઓ અને સરકાર વચ્ચે ગજગ્રાહ શરૂ થયો હતો અને કેટલાક જૂથોએ અદાલતના આદેશની વિરૂદ્ધ જઈને સપ્ટે. ૨૦૧૫માં ગંગામાં મૂર્તિઓનું વિસર્જન કરવાનો પ્રયાસ કર્યો હતો જેના કારણે હિંસા થઈ હતી. હવે જ્યારથી યોગી આદિત્યનાથે ૨૦૧૭માં મુખ્યપ્રધાન તરીકે શપથગ્રહણ કર્યા છે ત્યારથી પૂજા સમિતિઓ, સંતો અને હિંદુત્વ જૂથોએ ગંગામાં મૂર્તિના વિસર્જન માટે મંજૂરી મેળવવા ફરીથી પોતાના માથા ઊચક્યા છે. પૂજા કમિટીના પ્રમુખ તિલકરાજ મિશ્રાએ અલ્હાબાદ હાઈકોર્ટમાં એક પિટિશન પણ દાખલ કરી છે. મિશ્રાએ આ સંદર્ભમાં એપોઈન્ટમેન્ટ માટે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને પણ પત્ર લખ્યો છે. શહેરના ધારાસભ્ય અને ભાજપના નેતા રવિન્દ્ર જયસ્વાલ મૂર્તિ વિસર્જન માટેના સામાજિક આંદોલનમાં સક્રિય રીતે સંકળાયેલા હતા. જયસ્વાલનું માનવું છે કે, મૂર્તિ વિસર્જનથી ગંગામાં પ્રદૂષણ થાય છે એવું સરકાર અને અમે માનતા નથી. તેમણે ગંગાના કાંપ અને માટીથી મૂર્તિ બનાવવાની દરખાસ્ત રજૂ કરી હતી અને મૂર્તિમાં પ્રાકૃતિક રંગોનો ઉપયોગ કરવા જણાવ્યું હતું. આમ ગંગામાં ખાસ કરીને ગણેશ વિસર્જનના મામલે ભાજપ પણ અસમંજસમાં છે કે, સરકારે કઈ દિશામાં આગળ વધવંુ જોઈએ. એક સૂત્રના જણાવ્યા પ્રમાણે પક્ષ આ દિશામાં કંઈક કરવા માંગે છે પરંતુ હાલ કોઈ પણ પ્રકારની ખાતરી આપવા માંગતો નથી. દરમિયાન વહીવટી તંત્ર ગણેશોત્સવ અને દુર્ગા પૂજાની મૂર્તિઓના વિસર્જનને ધ્યાનમાં લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કમર કસી રહ્યું છે.
જો કે તિલક રાજમિશ્રાનું કહેવું છે કે, યોગીજીએ પોતે ખરેખર હિંદુ સમ્રાટ છે કે નહીં તે પુરવાર કરવું જોઈએ આમ ગંગામાં મૂર્તિ વિસર્જનના મામલે લોકો તેમજ વહીવટીતંત્રમાં ઘેરી ચિંતા પ્રવર્તે છે.