(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૮
દિલ્હીની એક શેરીમાં ધોળા દિવસે બે ગેંગ દ્વારા એકબીજા પર ગોળીબાર કરાતાં એક મહિલા સહિત ત્રણ લોકોનાં મોત નિપજ્યા છે, જ્યારે પ લોકો ઘાયલ થયા છે. ઉત્તરીય દિલ્હીમાં બુરાડીમાં આવેલા એક ભીડભાડવાળા બજારમાં સ્કોર્પિયો અને ફોર્ચ્યુનર કારમાં સવાર બે અલગ-અલગ ગેંગના સભ્યો દ્વારા એકબીજા પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસે જણાવ્યું છે કે, આ સભ્યો ગોગી ગેંગ અને ટિલ્લુ ગેંગના હતા, કે, જેમણે સવારે ૧૦ : ૧પ કલાકે કારમાંથી એકબીજા પર ગોળીબાર કર્યો હતો. શહેરમાં આ બંને ગેંગોના સભ્યો પર ખંડણી અને હત્યાના આરોપો છે. આ ગોળીબારમાં બંને ગેંગના એક-એક સભ્યોના મોત નિપજ્યા છે. જ્યારે ૩૭ વર્ષીય મૃતક મહિલા ગોળીબાર થયો તે જગ્યાની નજીકમાં હોવાથી તેણીની આ ગોળીબારનો ભોગ બની છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, જે સ્થળ પર ગોળીબાર થયો ત્યાં એક જીમ છે. સ્કોર્પિયોમાં સવાર યુવાનો દરરોજ જીમમાં આવતા હતા. આજે જ્યારે તેઓ જીમમાંથી બહાર નીકળ્યા કે તરત જ એક ફોર્ચ્યુનરમાં સવાર લોકોએ ગોળીબાર શરૂ કરી દીધો. પોલીસ રેકોર્ડ મુજબ, ગોગી નામનો બદમાશ અલીપુરનો રહેવાસી છે અને તેના ઉપર ઘણાં કેસો દાખલ છે અને હાલ તે ફરાર છે. અન્ય ગેંગસ્ટર ટિલ્લુ તાજપુરિયા છે, જે હાલ જેલમાં છે. તેના પર પણ હત્યા, લૂંટ વગેરેના ડઝનેક કેસો દાખલ છે. ગોગી અને ટિલ્લુ ગેંગ વચ્ચે ઘણીવાર ગેંગવોર થઈ ચૂકી છે.