ગારીડામાં તળાવના ગેટની દીવાલ ધરાશાયી થતાં ગામ ઉપર તોળાતું જોખમ

(સંવાદદાતા દ્વારા)
વાંકાનેર, તા.૨૧
વાંકાનેરમાં ઓરપેટ જૂથ દ્વારા ગારીડા તળાવની ફરતે બિનઅધિકૃત રીતે બાંધવામાં આવેલ દીવાલ ધરાશાયી થતા ગામ ઉપર ભયના વાદળ ઘેરાયાં છે. પ્રાપ્ત માહિતી મુજબ ઓરપેટ જૂથ દ્વારા જિલ્લા પંચાયત હસ્તકનું ગારીડાનું વિશાળ તળાવની પાળ અને ગેટની ઊંચાઈ સહિતનું બાંધકામ કરવામાં આવેલ. ગેટ પાસેની ર૦ ફૂટ કરતા વધુ ઊંચાઈ ધરાવતી દીવાલ જે તળાવની કાચી પાળના ધોવાણને અટકાવવા જરૂરી હોય છે. તે વરસાદમાં ધસી પડતા તળાવની કાચી પાળની સલામતી રહી નથી. આથી તળાવના નીચેના ભાગે આવેલ ગારીડા ગામ ઉપર જોખમ જળુંખી રહ્યું છે. હાલ તળાવ છલકાયું નથી. પરંતુ હવે વધુ પાંચ-સાત ઈંચ જેટલો વરસાદ પડે તો તળાવની પાળ પાણીના પ્રવાહમાં ધોવાય જાય તેવી પૂરી શક્યતા છે. ગેટ પાસે રપ ફૂટ જેટલી ઊંચાઈ ધરાવતી આ પાળ તળાવના મધ્યભાગમાં ૪૦ ફૂટ ઊંચાઈ ધરાવે છે. કાચી માટીથી જ બંધાયેલ ૪૦ ફૂટની પાળ વધુ વરસાદમાં ગમે ત્યારે તૂટી પડે તેવા સંજોગો ઊભા થયા છે. ધોધમાર વરસાદમાં જો રાત્રી દરમિયાન તળાવની આ પાળ તૂટે તો મોટી જાનહાનિનું જોખમ ઊભું થયેલું છે. ઉપરથી સામાન્ય જણાતી આ ઘટના નીચાણવાળા વિસ્તારના લોકો માટે ખૂબ જ ગંભીર બાબત છે. ત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટના દાવા કરતું તંત્ર ગામ લોકોના જાન-માલ ઉપર તોળાય રહેલા જોખમને દૂર કરવા ત્વરિત પગલાં ભરે તેવી ગ્રામજનોની માગણી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks