(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ,તા.૩
જૂનાગઢ મહાનગરપાલિકાનાં જનરલ બોર્ડની એક મહત્ત્વની બેઠક આજે મળી હતી. આ બેઠકમાં પ્રજાકીય પ્રશ્નોની ચર્ચા તેમજ ખાસ કરીને વિવિધ મુદ્દે શાસકપક્ષ સામે વિરોધપક્ષ કોંગ્રેસ દ્વારા બરોબરનો મોર્ચો માંડ્યો હતો અને એક તકે ગરમાગરમ ચર્ચાઓ ઉઠી હતી. વિરોધપક્ષો કોંગ્રેસ દ્વારા વિવિધ મુદ્દે અસરકારક રજૂઆતો કરી હતી.મહાનગરપાલિકાનાં આજે મળેલાં જનરલ બોર્ડમાં શાસકપક્ષનાં મેયર આદ્યશક્તિબેન મજમુદાર તેમજ ભાજપના પદાધિકારીઓ, કમિશનર પ્રકાશ સોલંકી ઉપરાંત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. તો બીજી તરફ કોંગ્રેસના વિરોધપક્ષના નેતા સતિષ વિરડા, શાસકપક્ષના દંડક હુસેનભાઈ હાલા, અદ્રેમાનભાઈ પંજા, અબ્બાસભાઈ કુરેશી, વિજયભાઈ વોરા, અરજણભાઈ કારાવદરા, કુદુશભાઈ મુન્શી, સેનીલાબેન થઈમ, મંજુલાબેન પરસાણા, પૂર્વ મેયર લાખાભાઈ પરમાર અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. આજની આ બોર્ડની કાર્યવાહી દરમ્યાન ખાસ કરીને મનપામાં ફરજ બજાવતાં સફાઈ કર્મચારીઓને વારસાઈ નોકરી અંગે નિર્ણય લેવા અંગે કાર્યવાહી કરવામાં આવી હતી.
ફરજ દરમ્યાન મૃત્યું પામનાર કર્મચારીના વારસદારોને નોકરી આપવાની મુખ્ય વાત હતી. જે અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ તકે વિરોધપક્ષ કોંગ્રેસના નેતા સતિષ વિરડાએ એવી રજૂઆત કરી હતી કે, મહાનગરપાલિકામાં ફરજ બજાવતાં તમામ કર્મચારીઓના વારસદારો અંગે મહત્ત્વના ઠરાવની વાત રજૂ કરી હતી. જેમાં ફરજ દરમ્યાન કોઈપણ કર્મચારી મૃત્યુ પામે તો તેવા કિસ્સામાં તેના વારસદારને નોકરી આપવા બાબતે રજૂઆત કરી હતી. આ બાબતે સહમતી સાધવા અને ઠરાવ કરવા ભારપૂર્વક રજૂઆત કરી હતી. તો બીજી તરફ કોંગ્રેસ પક્ષના કોર્પોરેટર અરજણભાઈ કારાવદરાએ શાસકપક્ષ સામે મોર્ચો માંડતાં જણાવ્યું હતું કે શહેરમાં ગેરકાયદેસર બાંધકામ સામે ર૬૦ અંતર્ગત નોટિસો ફાળવવામાં આવે છે. તે અંગેની કોઈ કાર્યવાહી થતી નથી. તે અંગે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તો બીજી તરફ કોંગ્રેસના મહિલા કોર્પોરેટર મંજુલાબેન પરસાણાએ ઉગ્ર આક્રોશ સાથે જણાવ્યું હતું કે, અમને ફાળવવામાં આવેલી ગ્રાન્ટ અન્યોને ફાળવી આપવાનો આક્ષેપ કર્યો હતો અને ભાજપના કોર્પોરેટરને આ ગ્રાન્ટ આપી દીધી હોવાનો તેઓએ આક્ષેપ કર્યો હતો. વિકાસનું કામ અમારા વોર્ડ નં.પમાં કરવા બાબતની ગ્રાન્ટ અન્યને ફાળવી દેતાં તેઓએ રોષ વ્યક્ત કર્યો હતો. એટલું જ નહીં અંબર બિલ્ડરને રૂા.પ કરોડની ગ્રાન્ટ પણ ફાળવી દીધી હોવાનો શાસકપક્ષ સામે ઓક્ષપ કરતાં ખળભળાટ મચી ગયો છે.