Site icon Gujarat Today

રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીનું પ્રમાણ અકબંધ

અમદાવાદ, તા.૧૨
અમદાવાદમાં ગરમીનું પ્રમાણ હજુ પણ ઘટી રહ્યું નથી. પારો આજે પણ ૪૧.૩ સુધી રહ્યો હતો. હળવા વરસાદી ઝાપટાની આગાહી તંત્ર દ્વારા અકબંધ રાખવામાં આવી છે. આંશિક વાદળછાયુ વાતાવરણ વચ્ચે આવતીકાલે પારો અમદાવાદમાં ૪૧ની આસપાસ રહે તેવી શક્યતા છે. સામાન્ય રીતે દર વર્ષે ૧૫મી જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થાય છે પરંતુ આ વર્ષે કેરળની જેમ જ દેશના અન્ય ભાગોમાં પણ વહેલીતકે મોનસૂનની એન્ટ્રી થઈ રહી છે. ગરમીના પ્રમાણ વચ્ચે તંત્ર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવ્યા હોવા છતાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગના કેસ પણ વધ્યા છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન વધીને ૪૧.૩ ડિગ્રી થયું હોવા છતાં બપોરના ગાળામાં લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. તીવ્ર ગરમીનો અનુભવ બપોરના ગાળામાં લોકોએ કર્યો હતો. અમદાવાદમાં બપોરના ગાળામાં ભરચક રહેતા વિસ્તારો પણ સુમસામ દેખાતા હતા. લોકોએ બપોરના ગાળામાં બહાર નિકળવાનું ટાળ્યું હતું. તબીબો પણ વધુ પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરવાની સલાહ આપી રહ્યા છે. રસ્તાઓ ગરમીના કારણે સુમસામ રહ્યા હતા. લોકોની ચામડી દાઝી જવા જેવો અનુભવ આજે બપોરના ગાળામાં થયો હતો. સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં પણ કાળઝાળ ગરમીથી લોકોને આંશિક રાહત મળી છે. આવતીકાલે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૧ની આસપાસ રહી શકે છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ આજે પ્રમાણમાં ઓછી ગરમીનો અનુભવ થયો હતો. જો કે, બપોરે ગરમ હવાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. અમદાવાદમાં પણ સવારે હવામાનમાં પલ્ટો આવ્યો હતો. બીજી બાજુ દિવસ દરમિયાન અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. જેથી લોકોને આંશિક રાહત મળી હતી. આજે રાજ્યમાં સૌથી વધુ ગરમીનો અનુભવ અમદાવાદમાં થયો હતો જ્યાં પારો ૪૧.૩ ડિગ્રી રહ્યો હતો.

Exit mobile version