અમદાવાદ, તા.૧૧
એલપીજી ગેસના સિલિન્ડરમાં સતત ભાવ વધારો થઈ રહ્યો છે તેની સામે સબસિડીની રકમ બેંક ખાતામાં જમા થતી ન હોવાની ફરિયાદો ઊઠી છે. સરકારી એજન્સીઓ વચ્ચે સંકલનના અભાવના લીધે ગ્રાહકોને ઓઈલ કંપની બેંકો અને ગેસ એજન્સીઓના ધરમધક્કા ખાવા પડે છે ત્યારે તમામ ઓઈલ કંપનીઓનો ઉચ્ચ અધિકારીઓને આવેદનપત્ર પાઠવીને સબસિડી સહિતના ફરિયાદોને ઉકેલ લાવવા માટે ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ દ્વારા રજૂઆત કરાઈ હતી. કેન્દ્ર સરકારની ઓઈલ કંપનીઓ એકબાજુ દર મહિને રસોઈ ગેસના બાટલામાં ક્રમશઃ ભાવ વધારો કરે છે. તા.૧લી ઓગસ્ટથી ૧૪.ર૦૦ કેજીનું એલપીજી સિલિન્ડરનો વેચાણભાવ રૂા.૭૮૭.૫૦ નક્કી કરવામાં આવ્યો છે. રૂા.૨૮૪ સબસિડી બારોબાર ગ્રાહકના બેંકખાતામાં જમા કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પરંતુ ગેસ એજન્સીઓ અને ગ્રાહક સુરક્ષા સમક્ષ દરરોજ સબસિડી નહીં મળવાની ગ્રાહકોની વ્યાપક ફરિયાદો આવે છે. છેલ્લા ૧ વર્ષથી સબસિડીના ધાંધિયા ચાલી રહ્યા છે. ઓઈલ કંપનીઓ અને બેંક દ્વારા ગ્રાહકોની ફરિયાદોનો નિકાલ કરવામાં આવતો નથી અને ગ્રાહક પોતાના હકની સબસિડી વંચિત રહે છે. એમ મુકેશ પરીખે જણાવ્યું હતું. ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ પ્રમુખ મુકેશ પરીખે વધુમાં જણાવ્યું છે કે, ગેસ એજન્સીઓ દ્વારા ગ્રાહકોના એલપીજી આઈડીનો ૧૭ ડિજીટના નંબરનું ફોર્મ ભરી, આધારકાર્ડ સાથે લિંક કરી, બેંકમાં સબમિટ કરવાનું હોય છે. વિવિધ કારણોસર બેંકગ્રાહકના ખાતામાં સબસિડીની રકમ જમા થતી નથી અને ગ્રાહકને નુકસાની ભોગવવી પડે છે. બેંક અને ઓઈલ કંપની તેમજ ગેસ એજન્સીઓ જવાબદારી સ્વીકારતી નથી અને એક બીજા પર દોષના ટોપલા ઢોળે છે. બીજી બાજુ બેંકમાંથી ગ્રાહકોને ટ્રાન્જેક્શનના નિયમિત મેસેજ નથી મળતા. બેંકિંગ સેવા પણ ખોરવાઈ ગઈ છે. ગ્રાહક સુરક્ષા ધારા અન્વયે તમામ સર્વિસ પ્રોવાઈડરોની સેવામાં ખામી અને બેજવાબદારી નિશ્ચિત છે. ગ્રાહકો આર્થિક નુકસાની સામે વળતર અને ન્યાય માંગી શકે છે. તમામ ઓઈલ કંપનીઓના ઉચ્ચ અધિકારીઓને આવેદનપત્ર પાઠવી ગ્રાહકોની સબસિડી નહીં મળવાની તેમજ ડિજિટલ વજનકાંટા દ્વારા હેલ્પરો બાટલા તોળીને નહીં આપતા હોવાની અને લિકેજ ટેસ્ટર દ્વારા સીલબંધ રસોઈ ગેસના બાટલામાં લીકપ્રૂફ અંગેની ચકાસણી તપાસ નહીં કરતા હોવાની ફરિયાદોના ઉકેલ માટે રજૂઆત કરવામાં આવી છે. રસોઈ ગેસનો બાટલો કાળાબજારમાં રૂા.૧૦૦૦માં વેચાય છે અને બીજીબાજુ સીલબંધ બાટલામાંથી પેન્સિલ-બંસરી વડે ર-૩ કિલો ગેસની ચોરી કરી તોલમાપમાં બેફામ છેતરપિંડી બેરોકટોક ચાલી રહી છે. પુરવઠા ખાતું, જિલ્લા કલેક્ટર, ફૂડ કન્ટ્રોલર અને કાનૂની માપવિજ્ઞાન તંત્ર અનેક ફરિયાદો કરવા છતાં અસરકારક પગલાં ભરતું નથી. એવો સણસણતો આક્ષેપ મુકેશ પરીખે કર્યો છે.