સરકારી ખરાબામાંથી ગૌચર જમીન નીમ કરવામાં મહેસૂલ તંત્ર દ્વારા ઠાગાઠૈયા કરાતાં યુવાનની ટાવર પરથી પડતું મૂકવાની ચીમકી

(સંવાદદાતા દ્વારા)
ભૂજ, તા.૨૯
કચ્છમાં એક તરફ અછત જેવી સ્થિતિમાં પશુધનની સ્થિતિ વિકટ છે અને ગૌચર જેવા ચરિયાણો ઘસાઈ રહ્યા છે ત્યારે રાયધણપર ગામની ગૌચર જમીનમાંથી ગેટકોનું સબસ્ટેશન બનાવવા ગૌચર જમીન આપી દેવા બદલ વળતરરૂપે અન્ય સરકારી ખરાબાની ગૌચર જમીન નીમ કરવામાં મહેસૂલ તંત્ર દ્વારા ઠાગાઠૈયા કરવામાં આવતા નારાજ થયેલા ગામના યુવાન માદા તેજા આહિરે ઊંચા ટાવર ઉપરથી પડતું મૂકી તંત્રની કાર્યવાહીના વિરોધમાં આત્મવિલોપન કરવાની ચીમકી આપતા ચકચાર મચી ગઈ છે. આ સમગ્ર મામલાની વિગત એવી છે કે, તાલુકાના રાયધણપર ગામની સીમમાં ત્રાયારોડ ઉપર વીજ સબસ્ટેશન બનાવવા માટે ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પોરેશન લિ. અંજાર (ગેટકો)ને ગ્રામ પંચાયત દ્વારા સર્વે નં.૧૬૧વાળી ગૌચર જમીનમાંથી જરૂર મુજબની ૦.૪૯.૦૦ આરે ગૌચર જમીન ગેટકોને ફાળવી આપેલ છે. હવે આ ગૌચર જમીનના બદલામાં ગ્રામ પંચાયતની હદમાં રહેલ સરકારી ખરાબા પડતર જમીનમાંથી ૪૯.૦૦ આરે જમીન ગૌચર તરીકે નીમ કરી આપવાની થાય છે તે માટે ગ્રામ પંચાયત દ્વારા સર્વે નં.૧૭પ/પૈકી ર૬માંથી સરકારી ખરાબાની જમીન ગૌચર તરીકે મેળવવા માગણી કરી હતી. આમ, છતાં ભૂજના પ્રાંત અધિકારી દ્વારા તા.૩૦/૧/૧૮ના રોજ હુકમ કરીને રાયધણપરની સર્વે નં.૮૯વાળી ગૌચર જમીનમાંથી જ ગૌચર જમીન નીમ કરી દીધી હતી ! એક તરફ ગ્રામ પંચાયત પોતાની ગૌચર જમીનના બદલામાં સરકારી ખરાબામાંથી ગૌચર જમીન નીમ કરવાની માગણી કરતું હતું તો બીજી તરફ પ્રાંતઅધિકારીએ વર્તમાન ગૌચર જમીનમાંથી જ જમીન આપીને રાયધણપર ગ્રામ પંચાયતને ખો આપી દીધી. આ ભૂલ સુધારવા રાયધણપર ગ્રામ પંચાયત સરપંચ અરજણભાઈ આહિર દ્વારા તા.૮/૨/૧૮ના રોજ પત્ર લખી પ્રાંત અધિકારીનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. એક તરફ રાયધણપર ગામમાં પ૦૦ જેટલા પશુધન સામે પ્રમાણમાં ગૌચર જમીન વાસ્તવિકરૂપમાં પણ ઓછી છે ત્યારે હવે સરકારી રેકર્ડમાં પણ ગૌચર જમીન ઓછી થઈ જતાં ચિંતિત થઈ ઉઠેલી રાયધણપર ગ્રામ પંચાયતે ત્યાર પછી પણ અવાર-નવાર આ અંગે ભૂજ પ્રાંત કચેરીનું ધ્યાન દોર્યા છતાં આજ સુધી રાયધણપર ગ્રામ પંચાયતને સરકારી ખરાબામાંથી મળવા પાત્ર થતી ૪૯.૦૦ આરેની ગૌચર જમીન મળી નથી. વહીવટીતંત્રની આ મનમાની સામે હવે રાયધણપર ગ્રામ પંચાયતના સભ્ય માદા તેજા આહિરે ન્યાય મેળવવા બીડું ઝડપ્યું છે અને રાયધણપર ગામની આ ગૌચર જમીન પરત મેળવવા તા.૨૬/૬/૧૮ અને ૩૧/૭/૧૮ના રોજ લેખિત પત્ર લખી, આ વહીવટી ભૂલ સુધારી લેવા માટે જિલ્લા કલેક્ટરને યોગ્ય આદેશ કરવા પત્રવ્યવહાર કર્યો હતો. આમ, છતાં આ અંગે કોઈ જ કાર્યવાહી ન થતાં વહીવટી તંત્રની કામગીરીથી નારાજ થઈ અને પોતાની લેખિત કાર્યવાહીનું કોઈ જ પરિણામ ન આવતા ખિન્ન થયેલા યુવાન માદા તેજા આહિરે આગામી ર૦ દિવસમાં ઊંચા ટાવર ઉપરથી પડતું મૂકી આત્મવિલોપન કરવાનો નિર્ણય કર્યો હોવાનું જણાવ્યું છે. આ અંગે તેમણે તા.૧૩/૮ના રોજ ભૂજ ખાતે જિલ્લા કલેક્ટરને જાણ કરી છે. તેમણે પોતાની એક રૂબરૂ મુલાકાતમાં તેમણે જણાવ્યું કે, જો ગ્રામ પંચાયત જેવી સ્વાયત સંસ્થાને પણ વહીવટી તંત્ર ગાંઠતું નથી તો એકલ-દોકલ સામાન્ય અરજદારની હાલત શું હશે ? ઊંચા ટાવર ઉપરથી પડતું મૂકવાના નિર્ણય અંગે પૂછતા તેમણે જણાવ્યું કે, વહીવટીતંત્ર સુધી લોકોનો અવાજ વધુ ઉંચાઈએ પહોંચે તેવા આશયથી જ ઊંચા ટાવર ઉપરથી આત્મવિલોપન કરવાનું પસંદ કર્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks